અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/ના માઉં


ના માઉં

જગદીશ વ્યાસ

સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં
અસલી મારું રૂપ એવું કે ધરતીના આ માટલામાં ના માઉં.

હાથ અને પગ સાવ નોધારા લટક્યા કરે સાવ નોધારું શીશ
ધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસ
ચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉં.

નીતર્યાં નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવર
જોઉં તો લાગે વચમાં રાતું ખીલતું કમળ હોઉં હું બરોબર
આમ તો હું છું એવડો કે બ્રહ્માંડ આખાના ચાટલામાં ના માઉં.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૪૩)