અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંત પારેખ/તાવ

તાવ

જયંત પારેખ

મારા બંને પગ સ્થિર છે છતાં મને હું ઊડતો લાગું છું
પ્રાગૈતિહાસિક પશુના પગ જેવા શહેરના થાંભલાને હું પકડી
ઊભો છું છતાં મને હું કોક પ્રચંડ આવર્તમાં તણાયે જતો લાગું છું.
પળેપળ મને ઘેરી વળતા અંધકારના જળમાંથી મારી કાયાને
વીંટી લઈને હું શહેરની ટ્રેનમાં ગોઠવું છું, તો નિબિડ
અરણ્યમાં અચાનક ભેટી જતાં લોહીતરસ્યા પશુની રાતી
આંખ જેવા દીવા મારી સામે ત્રાટક માંડે છે. મારી
આંખના ઘેઘૂર ઘેન પરથી કોક સજ્જન મને મદોન્મત્ત
માની લે છે ને પોતાની પત્નીને બાજુમાં બોલાવી લઈ
પોતાનો સંરક્ષક હાથ એની ફરતો વીંટાળે છે.

ઘેનના હૂંફાળા ફળમાં હું કીડાની જેમ સરકું છું. દિવસભર
સાંભળેલા શબ્દો, દિવસભર ચિંતવેલા વિચારો એક પછી એક
જંગી નાળિયેર, તોતિંગ વૃક્ષ, મહાકાય પર્વત, થીજેલો અંધકાર,
એવાં એવાં રૂપ ધારતા ધારતા મારા પર ગબડે છે. કોકની
સુકુમાર અંગુલિનો કોમળ સ્પર્શ મને ઉગારે છે, પણ બારી
પાસેથી સરકી જતું શહેર મને ઊંચકી લઈને ઊંચે આકાશમાં
ફંગોળે છે ને ઘુમરડીએ ચડાવે છે.

મહાસાગર, ગિરિમાળ, વનનાં વન, શહેરનાં શહેર, લોકોના લોકો
બધું જ, બધું જ ફેરફૂદડી ફરે છે, ફેરફૂદડી ફરે છે, ફેરફૂદડી ફરે છે,
ફરે છે ફરે છે ફરે છે ને અચાનક થાંભલો થઈ જાય છે ને હું
પલકવારમાં નીચે પટકાઉં છું.

વેરણછેરણ થઈ ગયેલી મારી કાયાને ઉશેટી લઈને હું ઘરમાં
પ્રવેશું છું ને મારી સાથે સમસ્ત માનવમેદની ઘરમાં પ્રવેશે છે.
એની પ્રચંડ ભીડમાં હું વિસામાનો ખૂણો શોધું છું ત્યાં ઘડિયાળનાં
જડબાંમાં ઝડપાઉં છું. વિચાર જેટલા વેગથી આકાશ, ક્ષિતિજ, સ્તન,
યોનિ, બીજનું રૂપ લેતાં એ જડબાં મને કચડી નાખે છે, મૂંઝવી
મારે છે, ને હું આવરોબાવરો બનીને મારી પુત્રીની કીકીઓનું શરણ
લઈ લઉં છું.

(નવોન્મેષ, સંપા. સુરેશ જોશી પૃ. ૩૧-૩૨)