અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અંધારા અજવાળાં

અંધારા અજવાળાં

જયન્ત પાઠક

આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ!
એ તો બીજું અંધારાનું નામ!
અજવાળાં તો શીળાં શીળાં સારાં
હળવે હાથે માંજે જે અંધારાં—
ઊઘડે ઝીણે અક્ષર લખિયાં
લખલખ ચૌદે ધામ!
અજવાળું અંધારું બંને સરખું
જો મોતી દોરો ના એમાં પરખું –
પરોવાય ના મોતનમાળા
સરખી જો અભિરામ!
અજવાળાં અંધારાં ઓરાં આવો
વારાફરતીનો ચખને દ્યો લ્હાવો –
ઉઘાડ મીંચમાં બાવન’બારી બારાખડીમાં
લખાયલું તે ભીતર વાંચું નામ!



આસ્વાદ: બાવનબા’રી બારાખડીમાં નામ… – રાધેશ્યામ શર્મા

હમણાં ગયા વર્ષે ‘બે અક્ષર આનન્દના’ કાવ્યસંગ્રહ બહાર આવ્યો એના પ્રથમ પૃષ્ઠે જ કવિએ પોતાનો પરિતોષ વ્યક્ત કર્યો છે: ‘બે અક્ષર આનન્દના પાડી શકું તો બસ.’

જે કાંઈ ક્ષર છે, નાશવંત છે, અનિત્ય છે, વિકારી છે એમાં સુખદુઃખનાં, હર્ષશોકનાં દ્વંદ્વ પ્રવેશી ગયા વગર રહે નહિ. અહંભાન અને કાલભાન પણ ક્ષરસૃષ્ટિનાં જ પરિમાણ અને પ્રમાણ.

વિશુદ્ધ આનંદ અક્ષરમાં જ સંનિહિત. સર્જક કવિ કલાકાર અહંશૂન્ય અને સમયશૂન્ય દશાને અક્ષર–સર્જનમાં પામે છે.

આનંદની આકૃતિ અને મૂર્તિ કવિના શબ્દમાં સહેજે સુલભ, પણ આનંદધારા આત્યંતિક આત્મલક્ષિતાના ગિરિશિખર પરથી વહેતી હોઈ પ્રચલિત અને પ્રતિષ્ઠિત પ્રત્યયોને તોડીફોડી નાંખતાં વાર નથી કરતી. ભલે ને ગમે તેટલું પૂજ્યારાધ્ય તત્ત્વ હોય એને અંગે પોતાને મૌલિક રીતિએ કળવાનું ઉપસ્થિત થતાં કવિ છોછ નહિ કરે. એમાં સર્જક તરીકેની સ્વતંત્રતાનો સંકેત છે.

વેદવારાથી સૂર્યપ્રકાશ/જ્ઞાનપ્રકાશનાં પ્રાર્થનાસ્તોત્રો રક્તમાં વણાઈ ગયાં હોય તોયે કવિ એને પોતાની તિર્યક્ સૂક્ષ્મ દૃષ્ટિથી અને અપૂર્વ બાનીથી વિપરીત ભાવે પ્રીછી શકે, પડકારી શકે. પરંપરિત પ્રવાહમાંથી પળાર્ધમાં મુક્ત થઈ જઈ પોતાની અભિનવ વર્તમાન ક્ષણને શબ્દમાં વ્યાકૃત કરવાનું સર્જનાત્મક સાહસ એક કવિ જ કરી શકે. આ અર્થમાં કવિ શ્રી જયન્ત પાઠક પણ અધુનાતન સર્જકોની શ્રેણીમાં સ્થિત છે. સ્થિત છતાં ગતિશીલ.

ત્રણ અંતરાની ગીતકૃતિમાં એમની નિરાગસ્–નિર્દોષ સહજ સ્વૈર અભિવ્યક્તિનો પરિચય પ્રારંભની બે પંક્તિઓથી જ થઈ જાય છે:

આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ!
એ તો બીજું અંધારાનું નામ!

અજવાસ ભલે ‘ભર્ગો દેવસ્ય’વત્ હોય પણ તેઓ પ્રકાશની પ્રયોજનરહિતતાને પ્રતિકારી શકે છે, નકારી શકે છે. અને આમેય આંજી નાખતું અજવાળું, આખરે આંધળા ભીંત કરીને રહેતી વાસ્તવિકતાની શાખ નથી પૂરતું?

મધ્યકાલીન ભક્તકવિઓની પ્રકાશપૂજાની સંસિદ્ધિ પેઢી પરથી ઊતરી જઈ સ્વતંત્ર કેડીએ ગતિ કરવાનું જોખમ શ્રી જયન્ત પાઠક જેવા ગજાદાર સર્જક જ કરી શકે. પરોક્ષપણે ભાસ્કર–પ્રતીપ દિશા લીધા છતાં અપરાધપુષ્ટ અવઢવનો અણસાર પણ સમગ્ર શબ્દસંરચનામાં જોવા નથી મળ્યો એ મારે મન એક સિદ્ધિ છે.

જોઈ જોઈને જોજો કાવ્ય જેટલું સરળ તેટલું કવિતાવિવેચન અઘરું અને ક્યારેક અટપટું. કારણ? શુદ્ધ કવિતા, ભાવ–વિચાર–દૃષ્ટિની સંકુલતાને ઘોળીને પચાવીને પી જઈ શકે છે અને સારલ્યની મુદ્રાને અગ્રેસર કરતી પ્રવર્તે છે. વિવેચન વાર્તિક કરવા, વિશ્લેષણ આપવા, દરમ્યાન થવા, સંક્રમણસંધાન રચવા મથતું હોઈ એ ક્યારેક કૃતિની આકૃતિથી દૂર થઈ સંદિગ્ધ-જટિલ પણ બની બેસે. દા.ત. હવેના પ્રથમ અંતરાની સહજ સરળ મને પ્રિય કડીઓ જ જોઈ લો, માણી જુઓ:

અજવાળાં તો શીળાં શીળાં સારાં
હળવે હાથે માંજે જે અંધારાં–
ઊઘડે ઝીણે અક્ષર લખિયાં
લખલખ ચૌદે ધામ!

કવિ છેતરી ગયા! પ્રથમ નજરે એમ લાગે. ગીતના આરંભે ‘અજવાળાંનું તે શું કામ?’ એમ સભાર પૂછી બેઠેલા. પણ પ્રથમ ઝાપટમાં જે ભાવકો આવી ના ગયા હોય તે જોઈ શક્યા હશે કે કવિને આંજી નાખતા અજવાળાની અહેતુકતા ઉપસાવવી હતી. એટલે હવે ભાવદૃષ્ટિને વૈશદ્ય અર્પે છે. અજવાળાં સાર્થક છે, સારાં છે – જો એ ‘શીળાં શીળાં’, ન આંજે તેવાં હોય તો. ઝટપટ અંધારાનાં જાળાં ઝાપટી નાખવાની સામે લાલબત્તી બતાવાઈ અહીં, ‘હળવે હાથે’ જે તમસ્‌નું સમાર્જન કરે તે અભીષ્ટ છે. આસુરી પ્રયોગની ‘શૉક ટ્રીટમેન્ટ’ અર્હ્ય નથી, સ્વીકાર્ય નથી. પણ આ તો વાર્તિક થયું શુષ્ક, કવિકર્મનો વિશેષ ક્યાં? અહીં: હળવે હાથે માંજે જે અંધારાં… ઝીણે અક્ષર લખિયાં.

‘માંજે’ ક્રિયાપદથી અંધકારને ધાતુપાત્ર સંકેતની અને ‘લખિયા’ પર્યંત પહોંચાડતી સૂક્ષ્મ કલ્પનરચના કવિપ્રતિભાના (‘લખલખ ચૌદે’–) ધામની આનંદાનુભૂતિ કરાવ્યા વગર રહેતી નથી.

બીજા અંતરામાં મોતીદારોની ભજનલપટી ઉપમાનો પ્રવેશ ‘જો’ (અને અધ્યાહારે ‘તો’)ની શરતી દિશામાં ભાવકને વહી જાય ખરો, પરંતુ ક્લેશ એટલા માટે નથી થતો કે ત્યાં પ્રાચીન ભજનવાઙ્‌મયની સંસિદ્ધ (મોતી–દોરાયુક્ત) સમૃદ્ધિનો લાભ લેવાનું કવિનું વલણ સ્પષ્ટરેખ છે. (પ્રસ્તુત સંગ્રહની ‘પાનબાઈનો વલોપાત’ કૃતિ, એ ક્ષેત્રમાં જૂનાં પ્રસિદ્ધ પ્રતીકોને નિજી કથ્યના પ્રકાશમાં પરોવવાના અભિગમની આધુનિકતા છતી કરે છે…)

અંતિમ અંતરામાં કવિનું / અથવા કાવ્યનાયકનું તમસ્‌દ્યુતિને યુગપત્ ઇજન (simultaneous invitation) છે છતાં વારાફરતીનો લહાવો ફેણવાનો આનંદ પણ પ્રસ્તુત કરે છે.

અજવાળાં સાથે જ અંધારાં (આખી કૃતિમાં એકવચન અને બહુવચનનો યથાક્ષણ ઉપયોગ તપાસો…) ઉભયને ‘ઓરાં’ આવવાનું અને ચખને – દૃષ્ટિને વારાફરતી લહાવો દેવાનું નિયંત્રણ એક શહૂરધારક સર્જક આપી શકે. વળી અહૈતુક શબ્દચેષ્ટામાં સહેતુકતાને આરોપવાનો કસબ પણ આસ્વાદ્ય છે:

ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં
લખાયેલું તે ભીતર વાંચું નામ!

ચક્ષુપટ પર અજવાળું – અંધારું આવતાંજતાં આંખ ઉઘાડવાની–મીંચવાની સ્થૂળ ચર્મચેષ્ટા થાય એની સામે બાવન બહારની બારાખડીમાં નામ (કોનું? કોનું?) વાંચવાની સૂક્ષ્મ અભિલાષા અત્યંત સઘન રીતે કંડારાઈ છે. (સંગ્રહના છેલ્લા પૂંઠે શ્રી સુરેશ દલાલે ‘ભીતર’ના અવાજ અને ‘એકાંતનું જતન’ની જિકર કરી જ છે…) – ત્યારે શ્રી જયન્ત પાઠક જેવા કવિઓ શબ્દનો કસ કાઢે, રસ અર્પે છતાં અધિકારપૂર્વક ગાઈ શકે: ‘શબ્દોનું શું કામ, અમારે બાવનબા’રો રામ! (રચનાને રસ્તે)