અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/જીવી ગયો હોત-

જીવી ગયો હોત-

જયન્ત પાઠક

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;

મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ અાઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ... તે મારા હાથમાં નહોતું!