અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયેન્દ્ર શેખડીવાળા/કોણ?
કોણ?
જયેન્દ્ર શેખડીવાળા
ધારો કે આંખ હો કુંવારી કન્યકા
તો પાંપણે ફરક્યું તે કોણ?
ધારો કે ફરક્યું તે નૈં કહું-નું નામ
તો હોઠ પરે મલક્યું તે કોણ?
ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
તો યાદ જેવું મ્હેક્યું તે કોણ?
ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ
તો મન મૂકી ગહેક્યું તે કોણ?
ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
તો સપનામાં વરસ્યું તે કોણ?
ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ
તો ઝબકીને તરસ્યું તે કોણ?
ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મંન
તો મંન મહીં થરક્યું તે કોણ?
સખી! નજરુંમાં સરક્યું તે કોણ?
(કલ્કિ, ૧૯૮૨, પૃ. ૨૯)