અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિતેન્દ્ર કા. વ્યાસ/સોળમે ફાગણ


સોળમે ફાગણ

જિતેન્દ્ર કા. વ્યાસ

છાતલડીના મોરલા બની છાકટા આજે ગ્હેકતા છડેચોક!
જોજે અલ્યા, તું ઝોડની માફક ઝાલતો એની ડોક.

સોળમે ફાગણ, સાવ રે મૂંગામંતર મારા
મોરલા શીખ્યા ગ્હેકવું અને ગ્હેકતા ગાંડાતૂર!
અષાઢ જાણે અત્તરહેલી વરસે, આવ્યાં
આભથી ને આ ધરતી કેરા અંગથી ઘોડાપૂર.
એય નાભિ શી ઘૂરીઓમાં ઘૂમરાઈ ઘૂમરાઈને ઘેલું થાય છે ડાહ્યું લોક!
છાતલડીના મોરલા બની છાકટા આજે ગ્હેકતા છડેચોક!

કંચવો વીંધી તંગ ને ઊડે ગ્હેક ને કેવી
ગ્હેકની આ તો મારકણી છે મ્હેક!
ફફડાવીને પાંખ ચહે છે મોરલા, લેવા
ચાંચમાં ઝાલી રંગધનુને છેક!
મોરલા તે આ મેલશે નહીં રંગધનુ કે રંગધનુ શું કાળજું ભાળ્યે કોક!

છાતલડીના મોરલા બની છાકટા આજે ગ્હેકતા છડેચોક!

ફૂલગુલાબી ફાગણ કે આ મનનો ભાવન
સાવન? એનું એય કશું ના ભાન!
મોકળે કંઠે મન મૂકીને રંગથી ગાવાં
રંગભરેલાં ગાન — આવી છે સોળમે ફાગણ સાન!
લોક છો મારે વલખાં લાખો, રોકવાનાં કે ટોકવાનાં પણ વલખાં બધાં ફોક!
છાતલડીના મોરલા બની છાકટા આજે ગ્હેકતા છડેચોક!
(૨૫-૫-૧૯૭૮)