અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જોઈતારામ પટેલ/મંથન


મંથન

જોઈતારામ પટેલ

કરવું શેં ચિતરામણ તારું, પળ પળ તું પલટાતી જી;
એક પળે નરદમ શરમાતી, બીજી પળ મદમાતી જી!

એક પળે મેં સાળુ ચોળી ચણિયો ચીતર્યાં,
બીજી પળ તો વસ્ત્ર નહીંવત્ પહેરી તું મલકાતી જી;
હમણાં તો મેં શીલગૂંથ્યો અંબોડો ચીતર્યો,
તેં કીધો ફરફરતો ત્યાં તો કલાપ ને છલકાતી જી!
કરવું શેં ચિતરામણ તારું, પળ પળ તું પલટાતી જી.

હેતમઢ્યાં મેં લજ્જા-નમણાં પગલાં ચીતર્યાં,
બીજી પળ તું ચંચલ ચરણે છટકી ઝટપટ જાતી જી;
હાથ-હથેળી કંગન-મેંહદી શોભન ચીતર્યાં,
પળમાં બંધન છોડી એનાં દઈ તાલી લહરાતી જી!
કરવું શેં ચિતરામણ તારું, પળ પળ તું પલટાતી જી.

ભાવસભર મેં ચહેરો તારો હોંશે ચીતર્યો,
ત્યાં બુદ્ધિનું લેપન ઝળકે, બનતી ગૌરવ-તાતી જી;
ઉરઘેલીની અંતર રમતી રમણા ચીતરી,
રમણી! ઇચ્છું રામદુહાઈ  : જોજે ત્યાં બદલાતી જી!
કરવું શેં ચિતરામણ તારું, પળ પળ તું પલટાતી જી;
એક પળે નરદમ શરમાતી, બીજી પળ મદમાતી જી!
(લીલપ લાગણીની, ૧૯૭૭, પૃ. ૧૩)