અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જ્યોત્સ્ના ત્રિવેદી/અર્ધી જ જિદંગી…


અર્ધી જ જિદંગી…

જ્યોત્સ્ના ત્રિવેદી

આમેય જાણે હું અર્ધી જ જિંદગી જીવી છું!

નિશાળમાં પતંગિયાં પકડતાં પકડતાં
પોરબંદરના દરિયાનાં બિલોરી પાણીને ખોબામાં
જકડી રાખવાની જીદ કરતાં કરતાં
શૈશવ તો ક્યારે પડી ગયું મોતીની જેમ દરિયામાં
તેની ખબરે ન રહી!

મા કહેતી ગઈ
કે હવે સાંજે મોડું નહિ આવવાનું
આમ ન કરવું, તેમ ન બોલવું, ન ઊભા રહેવું
નકાર પર ધ્યાન રાખવામાં ને રાખવામાં હું મોટી થઈ ગઈ
પે'લ્લી વાર તેં આવીને કહ્યું કે હવે તું સમજુ થઈ ગઈ
અને મેં પણ માની લીધું કે હું સમજુ થઈ ગઈ!
પછી તો તેં
જૂહુના વિશાળ પટ પર દોડી આવતાં મોજાંઓની પ્રેમકથા કહી!

પોરબંદર ને મુંબઈ
કથાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એક જ સરખા!
એક જ સરખી રૅશનિંગની કતારો
હવે અડધી જિંદગી અહીં ઊભી રહીશ.

થાય છે કે હું રોજ તૂટકછૂટક જીવું છું
દોરાના ટુકડા ટુકડા સાંધી સાંધીને સીવું છું
એકાદ દોરો તું પરોવી આપે છે
હવે એકાદ દોરો પિન્કુ પરોવી આપે છે.

પિન્કુ સ્કૂલે જાય છે
તું કૉલેજે જાય છે
હુંયે કેવી સ્કૂલે જતી…
ક્યારેક હઠીલું મન સ્કૂલના ઓટલા પરથી ખસતું જ નથી
કેટલી બધી ચણોઠીઓ, કેટલા બધા પાંચીકા
કેટલી બધી વાર્તાઓનાં ઊડતાં પાનાં જેવાં
સુદામાચોકનાં પારેવાં…

— ને નાની હતી ત્યારે ક્લાસમાં જ બેઠાં બેઠાં
વર ને ઘરના વિચારમાં કેટલા બધા પિરિયડ…
મેં બન્ક કરી દીધેલા!
(પ્રાન્તર્, ૧૯૮૩, પૃ. ૪-૫)