અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત ચૌહાણ/ચોર કોટવાળને દંડે
ચોર કોટવાળને દંડે
દલપત ચૌહાણ
કૂતરાં ભસે છે.
પાછળ દોડે છે.
ક્યારેક લાગ મળે તો, લ્હાવુંય નાખે.
અને
‘એ’ કહે છે, તમે સુધરી જાવ,
એ કરડશે નહીં.
સાફ રહો
ગંદુ કામ છોડો — અખાદ્ય ભોજન છોડો
અચાર – વિચાર – ભાન છોડો.
ખાસ તો તમારી ગંધ –
ખેરની વાસ –
કુંડની ગંધ –
આનાથી જ તો કૂતરાં આકર્ષાય છે.
પૂજા પાઠ
અગડમ્ બગડમ્ –
ટીલાં ટપકાં –
મુંડ ત્રિપુંડ
સંધ્યાગાન કરો.
કદાચ, હવે એ બધુંય કરે છે.
તો ય,
સાલ્લાં... કૂતરાં બેસે છે.
પાછળ દોડે છે.
લાગ મળે તો, લ્હાવુંય નાખે.
કૂતરાંએ સુધરવું જોઈએ.
એવું કોઈ કહેતું નથી.