અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૧)
કવિતા વિશે કવિતા (૧)
દિલીપ ઝવેરી
બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.