અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…
નંદકુમાર પાઠક
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી'તી તોય જરી ડોલી ના ડોલી ના…મારે.
ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…મારે.
રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના…મારે.
(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)