અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/સૂરનો ગુલાલ

સૂરનો ગુલાલ

નયના જાની

મને ઊડ્યો ગુલાલ અરે, સૂરનો...
હો મને ઊડ્યો ગુલાલ અરે, સૂરનો...

અહીં આઠે પહોર હું ભીંજાયા કરું,
સાત સૂરીલા રંગોમાં ન્હાયા કરું,
મને ઊડ્યો, હો સખી, ઊડ્યો ગુલાલ અરે સૂરનો...
સખી,

આંગણમાં, ઉંબરમાં, ઘરમાં ને ભીતરમાં,
જલ નહીં ને ઘૂઘવાટ જોયા કરું,
મારું નાનું શું હોવું હું ખોયા કરું,
સહેજ છાંયો છલક્યો, કે મને છાંટો છલક્યો એવા પૂરનો,
મને ઊડ્યો, હો સખી, ઊડ્યો ગુલાલ અરે સૂરનો...
સખી,

સૂરજમાં, તારામાં, આછા અજવાળામાં
ઘેરા તિમિરમાંયે દેખ્યા કરું,
એક ઝીણેરી જ્યોતને પેખ્યા કરું,
સૂર સ્પર્શી ગયો, સ્હેજ સ્પર્શી ગયો નર્યા નૂરનો,
મને ઊડ્યો, હો સખી, ઊડ્યો ગુલાલ અરે સૂરનો...
સખી,

પારિજાતક ઝરે કેસરી સુગંધોમાં,
ચૂપચાપ ઝરમરને ઝીલ્યા કરું,
મ્હેક અઢળક ને મૌન હું ખીલ્યા કરું,
પીએ પાંપણ અણસાર, સખી ઓછો અણસાર દૂર દૂરનો,
મને ઊડ્યો, હો સખી, ઊડ્યો ગુલાલ અરે સૂરનો...
(અનહદ અપાર વરસે, ૧૯૯૯, પૃ. ૨૦)