અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કહીં જશે ?

કહીં જશે ?

નલિન રાવળ

પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી
પેલી સવાર
ક્યાં ગઈ?

કૂકડાની કલગીના જેવી તોરભરી ને મોહક
પેલી બપોર
ક્યાં ગઈ?

ધણ-ધેનુની ખરી મહીંથી ઊડી રહી
રે મ્હેકભરી એ સાંજ
ગઈ ક્યાં?

કહીં જશે
આ ફૂલ સરીખા ફૂટ્યા તારા
કહીં જશે?

આ આભે ખીલી રાત, અને આ રાત મહીં જે ખીલ્યાં
શમણાં મારાં?



આસ્વાદ: કવિનો પ્રશ્ન – હરીન્દ્ર દવે

અહીં કવિએ થોડા પ્રશ્નો પૂછ્યા છે. એમાં કોઈક પ્રશ્ન વિગત—જે વીતી ગયું છે તે—ના છે તો કોઈક વર્તમાનના પણ. કવિને નથી ગતકાળની વાત કરવી કે નથી વર્તમાનની વાત કરવી. એના પ્રશ્નનું અંતિમ અનુસંધાન અનાગત જોડે—આવનારા ભવિષ્ય જોડે છે.

સવાર, બપોર, સાંજ અને રાત—આ દિવસનો ક્રમ છે. પણ માત્ર દિવસનો જ નહીં, જિંદગીનો પણ આ ક્રમ છે. અને આ પ્રશ્નો રાતની વેળાએ કર્યા છે. રાત્રિની સાથે એનું વાતાવરણ હોય છે. ફૂલ જેવા તારાઓ આભમાં ખીલી ઊઠેલા છે—અને એ આભમાં ઊતરેલી રાત્રિમાં કંઈક એ જ રીતે આપણાં શમણા પણ મહોરી ઊઠ્યાં છે.

હવે શું થશે?

હવે પછીની ક્ષણ, એના જેવું પરમ રહસ્ય બીજું એકેય નથી. આ રહસ્યને આપણે ક્યારેય ક્યાં પામી શકીએ છીએ? પતંગિયાની પાંખોમાંથી પ્રગટી હોય એવી સવાર—શૈશવ માટેનું પણ એ મોહક રૂપક છે… આવી નિર્દોષ અને નિરભ્ર તથા આંખોમાં સમાય એવા રંગો ભરેલી સવાર ક્યાં ગઈ? આવનારી ક્ષણથી આપણે અજાણ છીએ, પણ જે વીત્યું છે એને પણ આપણે ક્યાં જાણીએ છીએ?

બપોર અને કેવી બપોર? યૌવનનો તોર અનોખો હોય છે… કુકડાની કલગી જેવો એ મોહક તો ધરાવતી બપોર પણ વીતી ગઈ. અને એ ક્યાં ચાલી ગઈ એની આપણને ક્યાં ખબર છે?

અને મધ્યવય—ગોરજવેળા વાતાવરણમાં પ્રસરતી મહેક. આ મહેક પણ ક્યાં ચાલી ગઈ એ પ્રશ્નનો ઉત્તર કોની પાસે છે? ગાયોના ધણે ઉડાડેલી રજથી છવાયેલું આકાશ જ્યારે નિર્મળ બન્યું ત્યારે રાત પડી ચૂકી છે, પેલી સાંજ પણ સવાર અને બપોરની માફક જ કોઈક અકળ રહસ્યના પ્રદેશમાં ચાલી ગઈ છે.

રાત્રિનું એક આગવું સૌંદર્ય છે. વૃદ્ધાવસ્થા એ જીવનની સૌથી વધારે સુંદર મિરાત છે—જો ભોગવતાં આવડે તો. એ રાત જેવી છે. વીતે તો ઝડપથી વીતી જાય, અને ન ખૂટે તો શેયે ન ખૂટે. આવી રાત્રિએ, જીવનની આવી ક્ષણોએ બધાં સ્વપ્નો ફૂલની માફક, આકાશમાં ઊગતા સિતારાઓની માફક તગ્યા કરે છે. જે વાસ્તવિક નથી, એ જ સ્વપ્ન છે. અને જીવનમાં જે ધારીએ એમાંથી કેટલું ઓછું સાચેસાચ બની શકે છે?

આ રાત, આ સિતારાઓ અને એ સિતારાઓ જેવાં જ સ્વપ્નો. એ ક્યાં જશે?

કવિનો આ પ્રશ્ન ચિરંતન કાળથી પુછાતો આવ્યો છે. તત્ત્વચિંતક ‘તું’ કોણ?’ એમ પૂછે છે. કવિ આ વાતાવરણ કોણ છે, ક્યાં જઈ રહ્યું છે એ જાણવા માગે છે. (કવિ અને કવિતા)