અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાલ લગી અને આજ

કાલ લગી અને આજ

નલિન રાવળ

કાલ લગી
પોચું જાણે પલળેલા પૂંઠા જેવું આભ
આજ
કડક જે પાપડ ને સારેવડા જેવું.

કાલ લગી
લથરબથર અંગે ભીંજાયેલાં મકાનો
જે ફડકમાં વીલાં ભીરુ ઘેટાંના કો ટોળા જેવાં
આજ
શિયાળવાં જેવાં સહુ લુચ્ચાં,

કાલ લગી
શ્હેરના સૌ લત્તા
ચીનાઓની આંખ જેવા લાગતા’તા ઝીણા
આજ
સમાચાર-પત્રોનાં હેડિંગ જેવા પ્હોળા,

કાલ લગી
વૃદ્ધના ગળેલ ખોટા પગ જેવો
વિચારોમાં મુડદાના મન જેવો
આજ
કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો
તડકો કડાક કોરો પ્હેરીને હું નીકળ્યો છું.

(ઉદ્ગાર, પૃ. ૧૬)