અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ચાલ, ફરીએ

ચાલ, ફરીએ

નિરંજન ભગત

         ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!

                  બ્હારની ખુલ્લી હવા
         આવે અહીં, ક્યાં લૈ જવા?
         જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

                  એકલા ર્‌હેવું પડી?
         આ સૃષ્ટિ છે ના સાંકડી!
         એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
                  ચાલ, ફરીએ!

(છંદોલય, પૃ. ૨૬૭)




નિરંજન ભગત • ચાલ, ફરીએ! માર્ગમાં જે જે મળે તેને હૃ્દયનું વ્હાલ ધરીએ! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ







આસ્વાદ: ક્ષણના લલાટ પર શાશ્વતીનું તિલક — જગદીશ જોષી

કહેવાય છે કે કવિ જેમ જેમ પરિપક્વ થતો જાય તેમ તેમ એની કવિતા અલંકાર ને ઠાઠઠઠેરાને અળગા કરે છે. ટેક્નિક ટેક્નિક તરીકે અલગ તરે કે તરવરે નહીં. ‘નરી સરળતા’ હૃદયને સ્પર્શે પણ આંખને આંજવાનો કોઈ સભાન પ્રયાસ ન હોય. સાચી કવિતામાં મીરાંબાઈની કવિતાની સાદગી હોય છે.

નિરંજન ભગતના પ્રસ્તુત ગીતકાવ્યમાં કે કાવ્યગીતમાં નૈસર્ગિક ઉદ્ગારનો રણકો આપણા અસ્તિત્વમાં એકાંતની મઢૂલી રચી આપે છે. આપણે આપણી સાથે જ નથી હોતા. આપણું અંતસ્તત્ત્વ અને આપણે છૂટા છીએ, વિખૂટા છીએ. કવિ એ વિખૂટા થયેલા તત્ત્વને – પોતે પોતાને કહે છે: ‘ચાલ ફરીએ!’ ફરવાનું છે, ચાલવાનું છે; પણ કોઈ ધ્યેય પર પહોંચવાનું નથી. ફરવા પાછળ કારણ, પ્રયોજન નથી. ‘નિરુદ્દેશ’ ફરવું છે એ જ ઉદ્દેશ છે.

અને હા – પ્રેમ લૂંટાવવાનો છે. ‘માર્ગમાં જે જે મળે’ – સારાં, નરસાં, સાચાં-ખોટાં, રૂપવાન, વિરૂપ – આ બધાં ખાનાંઓ-ખાંચાઓને ઓળંગીને કેવળ હૃદયનું વહાલ ઓવારવાનું છે. આપણા વહાલથી કોઈને ગૂંગળાવીએ નહીં, પણ ‘ધરીએ’.

એક પંક્તિ યાદ આવે છે:

મારગે મળ્યા તો ઓળખાણ કરી લઈએ, થોડી ઘણી લાગણીની લ્હાણ કરી લઈએ.

પ્રહ્લાદ પારેખનું એક ગીત યાદ આવે છે. ‘હવા, મસ્ત હવા, મુક્ત હવા મનને મારા ક્યાં લઈ જવા.’ હવા તો મુક્ત છે. આપણે કુંઠિત છીએ. પણ હવા આપણને – કુંઠિતને મુક્તિની દીક્ષા આપે છે. આપણે ‘ખુલ્લા’ થઈએ – તો પ્રત્યેક રસ્તો, પ્રત્યેક ચહેરો, પ્રત્યેક ક્ષણ – એ નૂતન અને રમણીય જ લાગશે.

માણસ શા માટે એકલો? એકલપેટો? શા માટે સ્વાર્થના સ્ક્વેર ફીટમાં? સૃષ્ટિ તો વિશાળ છે. વિશાળ સૃષ્ટિને સાંકડી કરતી આપણી દૃષ્ટિને આપણે મુક્ત કરવાની છે. આ વિશાળતાનો અનુભવ – અને અનુભવની બે ક્ષણ મનુષ્ય ધન્ય ધન્ય થઈ જાય, પણ ક્યારે વિશાળતાનો સાચો પરિચય થાય? જ્યારે માણસ બે ક્ષણ સ્વાર્થ કે કારણ વિના ચાહી શકે. ‘આજની ઘડી તે રળિયામણી રે.’ આજની કાલ કરવા જેવી નથી. આ પળ ચૂકવા જેવી નથી. મનભરીને માણવા જેવી આ ક્ષણ છે. ક્ષણના લલાટ પર શાશ્વતીનું તિલક કરવામાં વિલંબ શાનો?

સહૃદયોને નિરંજન ભગતનું આવું જ એક પ્રચલિત કાવ્ય ‘હું તો બસ ફરવા આવ્યો છું’ યાદ આવ્યા વિના નહીં રહે. તત્ત્વજ્ઞાનના ભાર વિનાનું તત્ત્વજ્ઞાન કવિતામાં પ્રવેશે છે ત્યારે એમાં ફૂલની હળવાશ હોય છે. કવિતામાં તત્ત્વજ્ઞાન કંટકની જેમ ખૂંચવું ન જોઈએ. કવિતામાં અલંકાર કે વિષયવસ્તુ સમરસ થાય તો જ પછી કાવ્ય થઈ શકે.

નિરંજન ભગતની કવિતામાં એક વિશિષ્ટ ‘છંદોલય’ છે. એ એમના કાવ્યસંગ્રહના નામને અને કવિકર્મને સાર્થક કરે છે. યુરોપીય સાહિત્યથી રંગાયેલા આ કવિમાં ભારતીય તત્ત્વજ્ઞાન કેટલી સાહજિક રીતે પ્રકટ થયું છે એ જોવાની ફુરસદ આપણા વિવેચકોને ક્યારે સાંપડશે? (‘એકાંતની સભા'માંથી)