અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતા રામૈયા/પહેલે વરસાદે, રાજ…
પહેલે વરસાદે, રાજ…
નીતા રામૈયા
પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઈ લઉં
વાદળ ને વીજના રુઆબ.
વહેલી સવારથી ઘેરાયું આભ અને
આભમાં વરતાયું આષાઢી કહેણનું
વણછૂટ્યું બાણ;
ઊભા રહો તો, રાજ, માણી લઉં બે ઘડી
આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં મેઘભીનાં વેણનાં
રૂમઝૂમતાં વહેણ;
ઊભા રહો તો, રાજ, પછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
(દાખલા તરીકે સ્ત્રી, ૧૯૯૪, પૃ. ૩૭)