અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/આવ ત્યારે


આવ ત્યારે

નીતિન મહેતા

લખાયલા શબ્દોમાં
ખાલીપણું ચૂપચાપ બેસી ગયું છે
હવે આ છેલ્લી ચાલમાં
ભલે કોઈ સાથે નથી
માત્ર મારે જ ચાલવાનું છે
જાણું છું
તું હાંફળુંફાંફળું થયું છે
જલદી મને છોડશે નહીં
હજીયે તું મને
થોડું ચલાવશે
થોડું થોડું હંફાવશે
વધારે ને વધારે થકાવશે
વારંવાર રીબાવશે
હું તો
ચાલીશ હાંફીશ થાકીશ રીબાઈશ
પણ શરણે તો નહીં જ
દરેક માંદગી મને થોડો થોડો
ભૂંસતી જાય છે
ને
તારી છબી
ચોખ્ખી થતી જાય છે
પણ તું મને
બદલી શકશે નહીં
ચાલ બહુ થયું
હવે ભાષા વિનાના પ્રદેશમાં
પહેલાં હું પહોચું
તું શું છે જાણવા
તને થોડો સમય મળી જશે
અચ્છા તો –
તું પાછળ પાછળ આવ.
(૧૪-૯-૨૦૦૬)



આસ્વાદ: મૃત્યુને અનુગમન ફરમાવતી પદાવલી – રાધેશ્યામ શર્મા

‘ઇન્ડિયન લિટરેચર’ – ૨૫૫મા અંકમાં દિલીપ ઝવેરીએ આ કવિતાનું ભાષાંતર અંગ્રેજીમાં ‘When it comes’ નામે કર્યું એ વાંચી સ્વયમ્ કવિને મેં મૂળ ગુજરાતી રચના મોકલવા વિનંતી કરી તો નવો જુદો કાવ્યાનુભવ સાંપડ્યો.

‘આવ ત્યારે’ શીર્ષક કવિનો, નાયકનો mood વિદ્રોહ–અભિમુખ મિજાજ વ્યક્ત કરતું લાગ્યું, ‘કમ વૉટ મે’ ‘મોત જ્યારે આવે તે’–નું સ્વાગત કરવાનું વલણ પણ સંકેતે.

આલ્બેર કામુના ઍટિટ્યુડથી ભિન્ન મનઃસ્થિતિ કામુએ મૃત્યુને દેશવટો આપી બહિષ્કાર કરવાની મહદ્ આકાંક્ષા આમ કરેલી:

‘Neither in the hearts of men, nor in the manners of society will there be a lasting peace until we outlaw death’

દેશનિકાલ તો શક્ય નથી પણ અહીં આ રચનામાં મૃત્યુની ચાલચલગત પ્રવેશપ્રસર શૈલી સામે કાવ્યનાયકનો પ્રતિસાદ મૌલિક છે.

અવસાનના આગમન પૂર્વે તે, લેખકની રચનામાં અગ્રદૂત રૂપે ખાલીપણાને બિલ્લીપત્રે પ્રેષે છે. હાથમાં ખાલી પણ ચઢતી હોય અને હૈયે ‘ઍમ્પ્ટિનેસ.’ સુજ્ઞ સમજી જાય એની છેલ્લી ચાલ – જેમાં કોઈ કહેતાં કોઈનો સાથસંગાથ નહીં હોવાનો, એટલે કહી દે છે, ‘ભલે… માત્ર મારે જ ચાલવાનું છે.’

રચનાના બીજા સ્તબકમાં ‘હાંફળુંફાંફાળું’ અને ‘હંફાવશે’ શબ્દોનો વિનિયોગ પરિસ્થિતિની વિષમતા, વ્યક્તિને કેટલું રિબાવે એનો ગ્રાફિક અંદાજ આપે છે. હાંફ ચડાવી હંફાવવું હરાવવું તો એનું સહજ કર્મ છે પણ મોત પોતે પણ બેબાકળું, બાવરું, હાંફળુંફાંફાળું હોવાથી જાણે સ-ભાન છે એથી એની પકડ ધીમે ધીમે ચુસ્ત થવાની પ્રક્રિયા તરફ વળે છે. (‘થોડું ચલાવશે, થોડું થોડું હંફાવશે’)

ત્રીજો સ્તબક કર્તાની સમુચિત કાવ્યપદાવલિ અને નાયકની સ્વ–માનપ્રધાન ખુમારી એકસાથે તાદૃશ કરે છે અને આત્મલક્ષી ઉપરાંત ‘સૉલિપ્‌સિસ્ટીક ઇમેજ’ – નિકટની અભિવ્યક્તિ માનવાનું મન થાય:

હું તો
ચાલીશ હાંફીશ થાકીશ રિબાઈશ
પણ શરણે તો નહીં જ

આવી છંદમુક્ત રચનાઓમાં પદ, વાક્ય, શબ્દની વિશિષ્ટ વરણી અને ગોઠવણીનો મહિમા છંદોલયબદ્ધ કૃતિઓથી અલ્પ નથી. કહેવા ખાતર, ટીકા પૂરતું કહી શકાય કે આવી ગોઠવણીને ગદ્યમાં લખીએ તેમ સીધે સીધા વાક્યમાં મૂકી શકાય. પરંતુ કળાકીય તથ્ય જુદું જ છે. આવું સંરચન ચિત્રલિપિ લેખે અને ખાસ તો – કૉલરિજે ક્યારનું કહેલું તે પ્રમાણે – કવિની નિજી પ્રકૃતિ પ્રમાણેની ચિત્તલિપિ પણ કહેવી ઘટે! દા.ત. ‘ચાલીશ હાંફીશ થાકીશ રિબાઈશ’ પછી આવતું પદ ‘પણ શરણે તો નહીં જ.’

એક તરફ મૃત્યુપ્રેષિત માંદગી નાયકને શનૈર્શનૈ ભૂંસતી જાય છે તો બીજી બાજુ તે સ્વચ્છ નેત્રે સ્પષ્ટ કર્થ છે, ‘ને તારી છબી ચોખ્ખી થતી જાય છે. પણ તું મને બદલી શકશે નહીં.’

એક ખુદ્દાર સર્જક જ વ્યક્ત કરી શકે એવી આ પંક્તિઓ યાદગાર લાગી: ‘ચાલ બહુ થયું… હવે ભાષા વિનાના પ્રદેશમાં પહેલાં હું પહોંચું.’ (આ ભાવકને એમ પણ લાગ્યું કે મૃત્યુને પાછળ રાખી મેલી એના પહેલાં આગળ પહોંચી જવાની ખંતીલી ખેવનામાં મૃત્યુની જેમ નાયક પણ કંઈક રઘવાયા હાંફળાફાંફળા બની ગયા!)

દિલીપ ઝવેરીનું અંગ્રેજી ભાષાંતર પણ રસપ્રદ છે

okay, enough how let me first reach the realm beyond language. you will still have some time left to know what you are.

સ્વયં મૃત્યુને પોતાની અસ્મિતા, આઇડેન્ટિટી કે ઓળખ માટે સમય આપવાનું શહૂરખમીર ભાષાનો બંદો જ બતાવી શકે.

‘અચ્છા તો – તું પાછળ પાછળ આવ.’

‘અચ્છા તો –’ હાયફન સહિતનો મૂડ જેટલો હળવો (‘અચ્છા તો હમ ચલતે હૈ’ જેવો!) એટલે જ ‘તું પાછળ પાછળ આવ’ની બેફિકરાઈભર્યો છે.

આવાં ભાવ–સંમિશ્રણો કૃતિની કળાકીય કક્ષા સંકેતે છે.

આ લખવાનું પૂરું કરતી વખતે કાનમાં ક્યાંકથી ઊડી આવી પ્રચલિત કાવ્યકડી:

‘તારી હાક સુણી કોઈ ના આવે… તું એકલો જાને રે’

કવિશ્રી નીતિન મહેતાનો નાયક કોઈને હાક મારતો નથી, પણ જાતે મોતને જ હાક મારી અનુગમની બનાવે છે? (રચનાને રસ્તે)