અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/બારાખડીની અંદર— બારાખડીની બહાર


બારાખડીની અંદર— બારાખડીની બહાર

પન્ના નાયક

ક ખ ગ ઘ
અાટલે સુધી પહોંચતાં
ક્યાં પૂરી થાય છે
બારાખડી?
વચ્ચે અાવે છે
પ ફ બ ભ મ.
પ પન્નાનો
મ મીરાંનો
અા પ-થી મ સુધીની
યાત્રા
મારે માટે મુશ્કેલ છે
અશક્ય છે.
હું
અશક્યોની વચ્ચે
જીવવાનું શા માટે પસંદ કરું છું?
શા માટે?
ક્યાં અપાય છે
કોઈને કારણો?
ક્યાંથી લઈ શકાય
ઉછીની શ્રદ્ધા?
મારે મીરાં થવું છે
અે જ ઝંખના છે
અે જ ભાવના છે.
મને
મીરાંની મીઠી ઈર્ષ્યા અાવે છે.
હું
અનેક ક્રોસ રોડ પર ઊભી છું.
મીરાંઅે
શું શું નકાર્યું?
નકાર્યો સંસાર
નકાર્યાં રાજપાટ
નકાર્યાં સોનાનાં હિંડોળાખાટ.
અે
હતી તો સ્વયં સ્ત્રી
પણ
અે મીરાં થઈ
રુક્મિણી નહીં.
રુક્મિણી તો કૃષ્ણની પટરાણી
મહાલ્યાં કરે
લગ્નના સલામત મહેલમાં.
મીરાંને નથી થવું
ગોપી
કે
નથી થવું રાધા.
ગોપી અને રાધા સામે
મીરાંને
કશો વાંધોવચકો નથી.
બન્ને પાસે
છલકતી પ્રીત છે
પણ
ગીત નથી.
મીરાંને
તો
કૃષ્ણનું ગીત થવું છે
અને
મીરાં તો થઈ ગઈ
કૃષ્ણનું ગીત.
કૃષ્ણ ભલેને મિત્ર હોય
તોય
પાંચ પતિઅે અનાથ અેવી
દ્રૌપદી થવાનો શું અર્થ?
મને
મારામાં જ
વિભક્ત કરે છે
અનેક
ગૂંચવાયેલા રસ્તાઅો...
મને જોઈઅે છે
લાગણીની સભરતા
અને
અાર્થિક સલામતી.
અમેરિકા જેવા
દેશમાં રહેવાનું
અને
વૃન્દાવનને ઝંખવાનું.
અા વિરોધને
હું
ક્યાં જઈ શમાવું?
કૌરવોની સભામાં
ચીર ખેંચાયાં કરે છે
કસીનોમાં રમવા માટે
કોઈ યુધિષ્ઠિર
ક્યારેય અાવ્યો નથી.
કશુંક હોય તો જ
ગુમાવવાનું ને?
અહીં તો
સતત ગુમાવતાં ગુમાવતાં મેળવવાની
ને
મેળવતાં મેળવતાં ગુમાવવાની
અેક હકીકત હોય છે.
ચીર ખેંચાય
ને
કૃષ્ણ હાજરાહજૂર થાય
અેવી ચીસ
તો હું પાડી નથી શકતી.
પાંચે ઇન્દ્રિયને વરેલી
દ્રૌપદીનાં
કોણ પૂરે ચીર?
મીરાં થવાની ભાવનાથી
મીરાં થવાતું નથી
અેટલે જ
મને
પુરુષોનું વૃન્દ મળ્યું
પણ
મીરાંનું વૃન્દાવન નહીં.
કોણ કહે છે
કે
‘દૂજો ડાઘ ન લાગે કોઈ?’
અહીંયાં તો
કાળા રંગના
કામળા પર
રંગ નથી
પણ
કાબરચીતરાં ધાબાં છે.
મને તો
જોઈઅે છે
હીરામોતીની માળા.
(તુલસીની માળા
અે તો
દંતકથાની વાત).
તો પછી
મીરાં થવાની ભાવના
અે શું
મારા ચિત્તના
લટકમટક ચાળા?
અાટલો બધો દંભ
અલંકારોની અાસક્તિ
મહેલનો માહોલ
શય્યાનું સુખ
ઇન્દ્રપુરી જેવું અા શહેર
ઇન્દ્રિયોનો કૃત્રિમ વૈભવ—
બધું જ બાહ્ય!
ભીતરની વાત નહીં.
બધું જ કૃતક!
ક્યાંથી હોય
મીરાં થવાની તક?
ક્યાંથી હોય
અે અવસર?
અાત્મા હોય
તો
પરમાત્મા સાથે
મિલન થાય.
મીરાં હોઈઅે
તો
કૃષ્ણ મળે.
હું મીરાં થવાની
વાત કરીને
જાણે
મને જ
છેતર્યા કરું છું.
ઝાંઝવાંને
સમુદ્ર માનીને
તર્યાં કરું છું.
મીરાં તો ગાઈ ગઈ :
‘સંસારીનું સુખ અેવું ઝાંઝવાંનાં નીર જેવું.’
મેં તો
સગી અાંખે
ઝાંઝવાંનાં
સાવકાં નીર પીધાં
અને
અમૃતના
જુઠ્ઠા અોડકાર ખાધા.
વાત
વૃન્દાવનની કર્યા કરી
ને
મનમાં વિકસાવ્યું
મેવાડને.
મારી અાસપાસ
અેક નહીં
અનેક રાણાઅોની
વાડ
અેમનું મેવાડ
અેમના સોનાના પ્હાડ.
અવાજનું
નામ લઈને
અાખી જિંદગી
પડઘાઅોથી જ રમ્યા કર્યું.
રાજી કર્યા
અાસપાસના રાણાઅોને.
મીરાં થવું હોય
તો
રાણાને છોડવાની
તાકાત હોવી જોઈઅે
પણ
અાખી જિંદગી
અોશિયાળાં અાલંબનો
લઈ લઈને
હું
વધુ ને વધુ
અપંગ થતી ગઈ.
ઘુવડોની સભામાં
લાઇમલાઇટનો સૂર્ય થઈને
પ્રગટતી રહી.
મીરાંનું ગીત
લખવું હોય
તો
ઘોંઘાટમાં ડૂબી ન જવાય
પણ
હું તો
ડૂબતી જ ગઈ
પાર્ટીમાં, પ્રતિષ્ઠામાં.
પન્નાના પ અાગળ
જીવન શરૂ થયું
ને
પ અાગળ જ
પૂરું થયું.
કહ્યું નહીં
કે
પ-થી મ સુધીની
યાત્રા
મારે માટે
અશક્ય છે!
કોલાહલનું
હલાહલ પીધા પછી
કોઈ ચમત્કાર ન થયો.
ઝેરનો કટોરો
ઝેરનો જ રહ્યો.
મારા કરંડિયામાં કેટલાય નાગ
પણ
કોઈ નાગ પર
મણિ નહીં
બધા જ ફણીધર!
જાઝ મ્યુઝિક પર ડોલતા
અા નાગ,
શરીરભૂખ્યા નાગ!
મેં ઉતારી
અેનાં કરતાં
કાંચળીઅો
વધુ ને વધુ પહેર્યાં કરી.
નાગને નાથે અેવું
કોઈ નહીં.
અહીં તો
શ્વાસને
ગ્રસી જતા રાક્ષસો,
પોકળ હસાહસો,
પામર સાહસો.
અહીં તો
જ્યોતમાં જ્યોત ન મળી
અને
અંધકારમાં જ
જ્યોત વિલીન થઈ ગઈ.
મીરાં જીવી ગઈ.
હું
મરી મરીને જીવી રહી.
ઇટ ઇઝ ટુ લેઇટ નાઉ
ઇટ ઇઝ ટુ લેઇટ.

*

સમજાય છે બધું
પણ
સમજણ થીજી ગઈ છે.
પદ, પદવી
બધું નકામું લાગે છે.
અા બધો છે
નર્યો વાણીવિલાસ.
નકામું લાગે છે તોય
સંઘર્યો સાપ
કામ અાવશે માનીને
પદ, પદવી પકડી રાખું છું,
કદાચ કામ અાવે!
કૃષ્ણ
મળે કે ન મળે,
માખણ તો મળે!
કંઠ કોરો છે.
પેરેલાઇઝ્ડ થયેલા પગને
ઝાંઝર પહેરાવવાનો
કોઈ અર્થ નથી.
નફ્ફટ ઘૂંઘટપટમાં
ચીરા પડ્યા છે.
ખુલ્લી બજાર જેવો
થઈ ગયો છે ચહેરો.
હજાર હજાર
ઉઝરડા પડેલો ચહેરો.
મીરાંને
રમકડું માનીને રમનારા
અા મીરાંના
વાંઝિયા નસીબને
કદીય
રામ રમકડું ન મળ્યું
કે ન જડ્યું
પણ
પ-થી મ વચ્ચે રહેલી
અેક સ્ત્રી
જાણે કે
ગામ રમકડું થઈ ગઈ.
અા સ્ત્રી
હું હોઈ શકું
કદાચ
તમે હોઈ શકો.
પુરુષ છે
પણ
કૃષ્ણપુરુષ ક્યાં છે?
કૃષ્ણ
તો
પૂર્ણપુરુષોત્તમ
શ્રીકૃષ્ણ: શરણં મમ.
અહીં તો
ઉખાણા જેવા પુરુષો
અને
સમસ્યા થઈને જીવતી
સ્ત્રીઅો.


મીરાં,
અેક દિવસ તો પાસે અાવ.
મારે તને કાનમાં
અેક સવાલ પૂછવો છે.
તું
અમેરિકામાં રહેતી હોત
તો
મીરાં થઈ શકી હોત?
તું
વીસમી સદીને અંતે
કે
અેકવીસમી સદીને અારંભે
‘જોગી મત જા, મત જા’
જેવું પદ
ગાઈ શકી હોત?
........
તું
તારા મૌનથી
અેમ તો નથી કહેતીને
કે
મીરાં થવા માટે
જોઈઅે
પન્નાનું મોત.
પન્ના તો
અમથું અેક નામ.
અે લોપા હોઈ શકે
અે ગોપા હોઈ શકે.
મોત પણ કોઈના હાથમાં નથી.
અા મીરાં તો ખોવાઈ ગઈ
અાપમેળે જાણે કે અોલવાઈ ગઈ.
મારો મુરલીવાળો
તો
અાવવું હોય ત્યારે અાવે
જવું હોય ત્યારે જાય.
ઘૂંઘટ ખોલે
ને
શરીરને વાંસળીની જેમ
વગાડવું હોય તો વગાડે.
મારો બંસીવાળો જ અધૂરો,
અેનો કંઠ બસૂરો
ને
બટકણાં ગીત.
નફા અને તોટાના
હિસાબ પ્રમાણે વહેતા
અેના ગણતરીબાજ સૂર.
અે કોઈનો નથી.
નથી રુક્મિણીનો
નથી રાધાનો
નથી ગોપીનો
નથી પોતાનો પણ.
મીરાં પાસે તો હતી
પ્રતીક્ષા,
કેવળ પ્રતીક્ષા.
મીરાં,
તું જ મને
જવાબ અાપને
કે
પ્રતીક્ષાનું ભિક્ષાપાત્ર લઈને
અા વહેતા ટ્રાફિકના રસ્તા પર
ભમતી કોઈ સ્ત્રી
મીરાં કઈ રીતે થઈ શકે?
કોઈ વીક અેન્ડ પર
પુરુષધારી શરીરને
મારે ત્યાં
અાવવું હોય તો અાવે
અને
મારા ભિક્ષાપાત્રમાં
ડૉલર જેવો
પ્રેમનો સિક્કો નાખીને
અાઘોપાછો થઈ જાય.
હવે,
તું જ કહે
કે
મરવા વાંકે
જીવતી હું
કઈ રીતે ગાઈ શકું
તારા અાનંદનું ગીત
‘પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે?’
અમારા કૃષ્ણને
મનના મંજીરાનો
કોઈ ખપ નથી
અને
અમને પણ
તારા કૃષ્ણનું ક્યાં કામ છે?
અમારો કૃષ્ણ
તો
અૉફિસમાં બેઠો છે
કોઈ પરાયો, પારકો હોય અેમ.
અૉફિસની બધી જ કમાણી
અેની રુક્મિણી માટે.
કોઈ
અેમ ન માને
કે
હું
પુરુષને વગોવું છું.
હું તો
મારી વાસ્તવિકતાની વાત કરું છું.
અેને
અેકીસાથે
સેન્સિટિવ, ઇન્ટેલેકચ્યુઅલ,
પાર્ટીમાં શોભે અેવી,
અેની રુક્મિણીને
અતિક્રમી જાય અેવી,
લગ્નબાહ્ય સંબંધનાં
અછો વાનાં કરે અેવી,
અેક સ્ત્રી જોઈઅે છે
અને સાથે સાથે
અેના ધણીપણાને સાંખી લે અેવી
જોઈઅે છે
સ્ત્રીની શરણાગતિ.
બધું સોંપવાની
મારી તાકાત નથી
અને
બધું છોડવાનું
મારું ગજું નથી.
હું
વ્હેરાઈ ગઈ છું
દિવસ અને રાત જેવા
બન્ને હાંસિયાઅોમાં.
મીરાં,
હું તો
રોજ ઝેર પીઉં છું.
અા ઝેર
મારામાં જ જન્મે છે
અને
હું થઈ જાઉં છું
વિષકન્યા.
મીરાં થવાની ઝંખના
અને
ન થઈ શકવાની લાચારી—
અાનાથી
વધુ કાતિલ શું હોઈ શકે?


ટાયરના પગ પહેરીને
રસ્તા પર
ચાર પગે દોડીઅે છીઅે.
અે રસ્તો
અમને ક્યાંય પણ પહોંચાડતો નથી.
નથી જાગરણ,
નથી ઉજાગરો.
છે કેવળ અનિદ્રા,
અજંપો,
ને
અસલામતી.
વૃન્દાવન નથી
અેટલે તો
ફ્લાવરવાઝમાં
ફૂલોને ગોઠવીઅે છીઅે
અને
ફ્લાવરવાઝ પણ તૂટેલું.
લાઇફ વિનાના
લિવિંગરૂમમાં રહીઅે છીઅે.
બેડરૂમની પથારીઅો
ભરેલી તોય ખાલી.
મારા જખમ પરથી પણ
ગણી શકાય સંબંધો...
અેક અેક સંબંધ
અેટલે જખમનો જનાજો.
અામાં
વૃન્દાવનની તો વાત જ ક્યાં?
અમે તો
શૉપિંગ-વિન્ડોમાં ગોઠવાયેલી
ઢીંગલીઅો.
બન્નેની વચ્ચે
ગ્લાસ કર્ટન.
શબ્દો છે
પણ
સંભળાતા નથી.
અમારી
મોટામાં મોટી
કરુણતા અે છે કે
અમે
ગ્લાસ કર્ટનને
તોડી શકતા નથી
અને
વિન્ડો શૉપિંગના અેરિયામાં જ
ફ્રીઝ થઈ જઈઅે છીઅે.
સગવડ નામના
સીમિત પ્રદેશમાં
અટવાયેલા અમને
અસીમના, અનહદના
સૂર
ક્યાંથી સંભળાય?
ક્યારે સંભળાય?
ક ખ ગ ઘ
અને વચ્ચે
પ ફ બ ભ મ.
હું
અેકની અેક બારાખડીને
ઘૂંટ્યા કરું છું
અને
બારાખડીની બહાર
નીકળવાનો
રસ્તોય ક્યાં છે?
હવે,
હું
પૉઇન્ટ અૉફ નો રિટર્ન પર...
નો રિટર્ન પર...
નો રિટર્ન પર...
‘અબ તો બાત ફૈલ ગઈ’
‘બાત ફૈલ ગઈ’
‘ફૈલ ગઈ’.