અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/આત્મવિહંગને


આત્મવિહંગને

પૂજાલાલ

વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી
વૃથા વ્યથિત થા અહીં તિમિરનાં અરણ્યો મહીં;
ઉઘાડ તવ પાંખ શુભ્ર નભનીલિમાને વરી;
ભરી પ્રબળ ફાળ ઊડ સુરનંદનોની જહીં
વસંત વિલસી રહી સ્થિર સુહાગ સૌન્દર્યનો
સજી, પરમ પ્રેમકોકિલ તણા ટુહૂકારને
રવે હૃદય રીઝવી, અનનુભૂત આનંદનો
રચી રસિક રાસ પૂર્ણ બહલાવતી પ્રાણને.

વિહાર તુજને વિહંગવર! વ્યોમ કેરા સ્મરે;
ન વાર કર, ઊડ, ઊડ; ઋતરંગને ચુંબને
સુરંગિત બનાવ ચંચુ; દ્યુતિલોકને ઊમરે
બની અતિથિ માણ મંગલ મહોત્સવો મુન્મને.

ધ્વને અપરિમેયનાં અરવ ગૂઢ આમંત્રણો :
વિહંગ! ભર ફાળ, લે ઝટ અતાગમાં ઊડણો.

(પારિજાત, પૃ. ૧૫)