અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/હોંકારે


હોંકારે

પ્રદ્યુમ્ન તન્ના


હેતે માંડીને તમે મીટ
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!
તડકો અડે ને ચડે અધપાકી શાખમાં

મધ શી મીઠાશનાં તે પૂર,
વાયરાની પ્હેરીને પાંખ એક અણપ્રીછી
મ્હેંક વહી જાય દૂર દૂર
નેહભીની આંગળિયે અડ્યું કોક ભોંયને કે ખળખળતાં ચાલ્યાં અમરીત!
હોંકારો કીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!

ઊતરે એ ફાલ મહીં અરધું તે ઓરનું
ને અરધામાં આપણું પ્રદાન,
સહિયારા યોગ વિણ સૃષ્ટિમાં ક્યાંક કશે
સર્જનની સંભવે ન લ્હાણ!

નીપજ્યાનો લઈએ જી લ્હાવ કહો કોણ અહીં કર્તા ને કોણ તે નિમિત્ત?!
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!


(છોળ, ૧૯૮૦)