અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/ક્યાંકથી
ક્યાંકથી
પ્રવીણ દરજી
ક્યાંકથી
ઊડી આવેલા
લક્કડખોદે
એકાએક હર્યાભર્યા વૃક્ષના થડને
ટોચવાનું શરૂ કરી દીધું
લક્કડ ધક્કડ, લક્કડ ધક્કડ...
ડાળીઓ અને પર્ણો
શાંત હતાં...
ચાંચનો એક ઘા
અઘોષિત યુદ્ધ બની રહ્યો હતો
ભૂખરો રંગ રેલાતો જતો હતો ચોપાસ...
ત્યાં જ
ડાળ ઉપરની કોઈખ દેવચકલીએ
સહસા ગીત છેડ્યું
ભોંઠું પડેલું લક્કડખોદ
થડ છોડીને ઊઢી રહ્યું સીમા પર
કદાચ
કોઈ બીજા થડને કરી રહેશે હવે આરપાર...
(‘ગ્રીન બેલ્ટ)’