અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /નવ્ય કવિતા
નવ્ય કવિતા
બળવંતરાય ક. ઠાકોર
મને ચ્હાશો? ના હું લલિત લલકારાવલિ તરલ;
નહીં ચ્હાશો? હું તો હૃદય ઊતરું તે પછી સરલ.
મને ચ્હાશો? ના હું પરિચિત પદાલંકૃત પટલ;
નહીં ચ્હાશો? હું તો મરમ સમજાયે દ્યુતિ વિમલ.
મને ચ્હાશો? ના હું પ્રભુ ભજું ચમત્કાર ગજબે;
નહીં ચ્હાશો? હું તો કુદરત રહું મોહી અજબે.
મને ચ્હાશો? ના હું દ્રવું સુરવિલાસાદ્ભુત રસે;
નહીં ચ્હાશો? હું તો પીગળું જગના અંધ હવસે.
મને ચ્હાશો? ના હું જડબલજયાલેખન કરું;
નહીં ચ્હાશો? હું તો મૃદુલ રતિરંગે દૃગ હરું.
મને ચ્હાશો? ના હું ગત સમય જાજ્વલ્યથી હસું;
નહીં ચ્હાશો? હું તો ઊડી ઊડી જ ભાવિ પ્રતિ ધસું.
મહાકાવ્યો જૂનાં કવિયન અને વંદું સહુને,
નવે કાળે તોયે કવન નવલાં સર્જી દઉં ને?
(ભણકાર, પૃ. ૩)