અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/ઘરઝુરાપો


ઘરઝુરાપો

બાબુ સુથાર

બરફ પડી રહ્યો છે.
વીજળીના અજવાળા સાથે ચાંદીની પતરીઓ ઘસાઈ રહી છે.
દિવસે અંગૂઠાના નખ જેવડું લાગતું આ શહેર
રાતે જોજનોના જોજનો સુધી
પથરાઈ ગયું છે.
વૃક્ષોની અંદર અને વૃક્ષોની બહાર
સૂનકાર જાળાં ગૂંથી રહ્યો છે.
મને યાદ આવે છે મારા ગામની એ રાતો
જ્યારે હું સૂતો હતો ઓસરીમાં
ઘઉંના મોલની આંગળી ઝાલીને.
ક્યારેક હું — બાએ કહેલી — વિક્રમરાજાની વાર્તામાં આવતા ઘોડાની પીઠ પર
હોડી પલાણતો,
તો વળી ક્યારેક મણમઠિયું આવે
અને મણ મઠ માગે એની
રાહ જોતો,
શિયાળ ક્યારે મારી સાથે રમવા આવશે?
પડ્યો પડ્યો વિચારતો.
બા કહેતી કે એ નાની હતી
ત્યારે વગડામાંથી એક શિયાળ
માથે મોરનાં પીંછાં પહેરીને


1.એક કાલ્પનિ ક પ્રાણી. બાળક રડ ે ત્યા રે આવે અને પછી મણ મઠ માગે એવી
માન્યતા.

એની સાથે રમવા આવતું.
ક્યારેક હું પડ્યો પડ્યો રાહ જોતો
પથરી ખાણે નાગ બહાર ફરવા નીકળે એની.
કોઈકે કહેલું કે એ નાગની ફેણ પર પારસમણિ છે,
એનું અજવાળું બાર બાર ગાઉ સુધી પડે છે,
એની ઘણી વાર થતુંઃ
જો એ નાગ મને એનો પારસમણિ આપે તો કેવું?
તો હું બાના દાતરડાને જ સૌ પહેલાં તો સોનાનું બનાવી દઉં.
પણ પછી થતુંઃ તો પછી બા ઘાસ શાનાથી કાપશે?
તો પછી બોડી શું ખાશે?
હું મનોમન પ્રાર્થના કરતોઃ
મને નાગ એનો પારસમણિ ન આપે તો સારું.
પણ પારસમણિનું અજવાળું આપે તો ચોક્કસ લઉં.
પછી હું ફાનસના બદલે
પારસમણિને અજવાળે લેસન કરીશ.
હું સૂતો હોઉં ત્યારે ઘણી વાર
મંગળકાકાની ખાટી આંબલીના થડમાં રહેતી ચુડેલ આવતી.
મારા ખાટલાના ચાર પાયે ચાર કોડિયાં મૂકતી
ને પછી ચાલી જતી.
એના ગયા પછી કોડિયાંમાં
આંબલીનો મોર દિવેટ બનીને બળતો.
ઘણી વાર મહાસુખકાકાના પીપળાના થડમાં રહેતો ભૈરવ
મારા ઓશીકાની નીચે
એનો ગમાણિયો દાંત મૂકી જતો.
પડ્યા પડ્યા
મને ક્યારેક થતું;
ગામની કીડીઓ
જો હાથી બનીને ફળિયામાં નીકળી પડે તો કેવું?


1.ભેંશનું નામ

પેલો સાત પૂંછડીવાળો ઉંદર
હાથમાં મેરૈયું લઈને તેલ પુરાવવા નીકળે તો
આજે દિવાળી કહેવાય કે નહિ?
હું જોઈ રહ્યો છું બારી બહારઃ
ઠેર ઠેર બરફ પથરાઈ ગયો છે.
ઘરની પછવાડે આવેલા કબ્રસ્તાનમાં દાટેલાં શબોનાં હાડકાં
અને એકલદોકલ ચાલ્યા આવતા મનુષ્યોની સ્મૃતિઓ પણ
બચ્યાં નથી એનાથી.
આખું શહેર જાણે કે
ચાંદીમાં બોળેલું રૂનું પૂમડું.
હમણાં સવાર થશે,
દૂધિયા કાચની પેલે પાર
એક સૂરજ ઊગશે.
પછી આ શહેર બધાના ખભા પર
અને
બધા શહેરના ખભા પર
બાબરિયા ભૂતની જેમ ચડી બેસીને
નીકળી પડશે.


કોણ જાણે આવું કેમ થાય છે?
પડો ફૂટેલી ભોંયમાં પગનો અંગૂઠો બૂડે
એમ આખું ડિલ બૂડી રહ્યું છે કશાકમાં
કેફ ચડે
એમ
ગામ આખું સ્મૃતિએ ચડ્યું છેઃ
ગોધૂલિવેળા થઈ છે,
ગાયો આંચળને ઘૂઘરીની જેમ
અને ઘૂઘરીને આંચળની જેમ
રણકાવતી આવી રહી છે,
જોડે મોહનકાકાની ભેંસને પાડી ધાવી રહી છે,
એના બચ બચ અવાજમાં
જાતરાળુઓ એની દૂંટીમાં મૂકી ગયેલા
એ મેલ ધોઈ રહી છે ગંગાનદી.
ફળિયાની વચોવચ નિર્વસ્ત્ર બનીને
નાહી રહી છે ચકલીઓ,
એમને જોઈને મણિમાસી કહે છેઃ
પડાળ પરથી ડોડા ઉતારવા પડશે,
માવઠું સીમને ઼ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.
કૂવામાં ધબ્બ દઈને પછડાતા ઘડા
પાણી સાથે અફવાઓની આપ-લે કરી રહ્યા છે,
નહિ તો પાણીને ક્યાંથી ખબર હોય
કે મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી
અને જોડેના ગામમાં આંબા પર બેસે એમ
ઠાઠડી પર મૉર ફૂટી નીકળ્યો હતો.
દૂર દૂર રાવણહથ્થાના તારે તારે
ભાઈબહેન મોસાળે જઈ રહ્યાં છે.
સ્મૃતિએ ચડેલું ગામ
અને
આથમણે ઊગેલી શુક્રની તારલી
એકાએક
મારી જીભને ટેરવે
રમવા માંડે છે
અડકોદડકો
દહીંદડૂકો.
બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે.
નહિ તો આખું ફિલાડેલ્ફિયા
આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.


પહેલા વરસાદની સોડમ
અને
હું બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.

વરસાદના પહેલા છાંટાથી જ
ધૂળ ચાળણી જેવી
થઈ ગઈ છે.
પથ્થરોને અળાઈઓ ફૂટી નીકળી છે.

હમણાં મેઘો ખાંગો થશે,
નળિયે નળિયે નદીઓથી છલકાશે,
નેવે નેવે રેંલ્લા દોડશે.
ફળિયે ફળિયે સાત સાત તરીલે બળદ
પાણી ખેંચશે.
ઘેર ઘેર મોભ ડિલ ભરીને નાશે.
ભીંત પર,
વૃક્ષોનાં થડ પર,
પાળિયે પાળિયે
પાણીના રેલા
ઈશ્વરના પૂર્વજોના
હસ્તાક્ષર બનીને ઊઘડશે.
પછી મેઘો થોભશે,
આકાશ ઊઘડશે
બાની હથેળી જેવું.
વૃક્ષોનાં થડ,
એમની ડાળીઓ,
એમની પાંખડીઓ,
એમનાં પાંદડાં પર
સૂરજ ગોળમટાં ખાશે.
ઘેર ઘેર
ટોડલે ટોડલે મોર ટહુકા કરશે,
ગામના ફળિયે ફળિયે ઢેલ
નવોઢા બની માથે બેડું મૂકીને
પાણીએ સંચરશે.
વૈતરણી નખ જેવડાં તળાવ બનીને
વેરાઈ જશે થોરના લાબોળિયે લાબોળિયે.

જીવ અને શિવને એકસાથે
આઠમ અને અગિયારશ બેસશે,
મંકોડાઓની પીઠ પર
ચાંદો ઊગશે
અને
અળસિયાં માથે મુગટ
અને ડિલે જરકસી જામા પહેરીને
બહાર નીકળશે.

આજે ન થવાનું થશે
આજે પહેલા વરસાની સોડમ
અને
હું
બેઠાં છીએ
એકબીજાંમાં
આરપાર.


આવું કેમ થયું?
કાગળ પર
ગામનું નામ લખ્યું
કે
અક્ષરો મેરૈયું બનીને
ઝળહળી ઊઠ્યા,
કપાળમાં ચાંદો
તાપોલિયું બનીને
ઝલમલવા લાગ્યો.
કાગળમાં ઊગી નીકળ્યો અજવાળાનો મોલ,
મનની નાડીઓમાં ઘસઘસાટ ઊંઘતો
કુબેરિયો ભગત જાગી ગયો અને ગાવા લાગ્યોઃ
અંજવાળું અંજવાળું આજ મારે...

આવું કેમ લાગે છે
આજે?
હૈડિયે દાસી જીવણ
આઈ બનીને ફૂટ્યો હોય
એવું
કેમ લાગે છે?

કરોડરજ્જુમાં ગંગાસતીની બંગડીઓ
રણકતી હોય
એવું
કેમ લાગે છે?

ગામલોકોએ
ગામછેડાની માતાએ
ગાગરો ચડાવી હશે
કે પછી
ખેતરના શેઢે
કાચંડીએ મેઘધનુષ જણ્યાં હશે
કે પછી
બોડીને શિંગડે વાલોળનાં ઝૂમખાંની જેમ
તારામંડળ
ઊગી નીકળ્યાં હશે
કે પછી
મગાકાકાની વાવમાં
પધરાવેલાં દીકરો ને વહુ
ઘડીભર બહાર આવ્યાં હશે
કે પછી...
આ કાનોમાત્તર કેમ વાગવા લાગ્યાં છે
ભૂંગળો બનીને?
કયો ખેલ પાડ્યો હશે
ભવૈયાઓએ આજે?
કોઢમાં બાંધેલી ગાયોનાં માથાં
મારા ખભે ઘાસ થઈને
કેમ અડકતાં હશે?
શિવાલયના નંદીની પીઠ કેમ ઘસાતી હશે
મારા તાળવે?
ક્યારેય નહિ
ને આજે શબ્દોમાંથી
ડમરાની સોડમ કેમ આવે છે?
નક્કી ઘરના વાડામાં
નાવાના પથરા કને મેં રોપેલા
ડમરા
આજે મને યાદ કરતા હશે.

નહિ તો ના બને આવું...


ચાલતાં ચાલતાં સિમેન્ટનો રસ્તો
એકાએક ગાડાવાટ બની ગયો,
જોઉં છું
તો રસ્તાની બેઉ બાજુએ
ફાફડિયા થોર,
આવળ,
બાવળ,
આકડિયા,
પુંવાડિયા,
ડોડી,
ક્યાંક દર કીડીનાં,
ક્યાંક રાફડા,
ક્યાંક ધૂળમાં સાપના લિસોટા,
ક્યાંક મંકોડો જાય મલકતો.
હું પૂછી બેસુંઃ
મંકોડાભાઈ, મંકોડાભાઈ, ક્યાં ચાલ્યા?
મંકોડો કહેઃ માધેવજીના દેરે.
ક્યાંક પતંગિયાં સપ્તર્ષિને આકારે
ફર્યા કરે
ફૂલ પર,
પાન પર.

એટલામાં દેખાય એક ઘુણી :
ઝરમર માતાના ડુંગરાઓને
પીઠ પર હારબંધ બેસાડીને ચાલી જતી.
દેખાય પુંવાડિયાના પાંદડે
ગેડીદડો રમતા
રામદેવીરમદે.
આકડિયાના પાંદડે
હનુમાનજીની
બે આંખો
ઊઘડે
ને
બંધ થાય
એકાએક મારી નજર
ફાફડિયા થોર પર લાગેલા
એક રતૂમડા ફળ પર પડી.
હું ગયો એની પાસે
થોરની પેલે પારના ખેતરમાંથી આવતી
વરિયાળીની સુગંધને કાપતો કાપતો.
પછી હળવે રહીને મેં એ ફળને તોડ્યું,
ઉપરથી કાંટા કાઢી
નાખ્યા બાજુ પર,
છાલને દૂર કરી,
હું એને મોઢામાં મૂકવા ગયો
ત્યાં જ
કંઈક ગરબડ થઈ ગઈઃ


1.આંધળી ચાકણ
મા અને બાપાની આંગળીઓ,
ડાંગર અને ઘઉંનાં કણસલાં
અને
મોબાઇલ ફોન પરના આંકડાની વચ્ચે
ભેળસેળ થઈ ગઈ.

એક વાદળ આવ્યું,
મને ધક્કો મારીને
ચાલ્યું ગયું.
એ સાથે જ
હું પાછો
સિમેન્ટના રસ્તા પર

પૂરના પાણીમાં
કપાયેલી ડાળ તણાય
એમ
તણાતો
મારા પડછાયામાં.


ચાલતાં ચાલતાં
હું
એકાએક ફેંકાઈ ગયો
શહેરમાંથી
વેરાનમાં
જોઉં છુંઃ
આકાશમાં એક પણ પક્ષી
ઊડી રહ્યું નથી
પણ
ભોંય આખીય પથરાઈ ગઈ છે
ઊડતાં પક્ષીઓના પડછાયાઓથી,
કેટલાક લોકો મેઘધનુષને
ખાટલામાં નાખીને જઈ રહ્યા છે.
હું એમને પૂછું છુંઃ કેમ ભાઈ,
શું થયું છે મારા લંગોટિયા ભાઈબંધને?
તેઓ કહે છેઃ હવે ભોરિંગોનું રાજ બેઠું છે
હવે મેઘધનુષને બદલે સાપની કાંચળિયો ઊગશે
આકાશમાં.

હું બોલું છુંઃ ભોરિંગનું રાજ?
તેઓ કહે છેઃ હા, તું જોજે ને. કાલે સૂરજે પણ
ઊગવું પડશે
સાપની જીભ પર,
પૃથ્વીએ પાણીના ટીપામાં રહેલા જવું પડશે.

હું ઉદાસ થઈ જાઉં છું,
હું પુરાઈ જાઉં છું
મારાં હાડકાંમાં,
મારા દાંતમાં.
હું જાણે કે પલળેલો ચૂનો.
પછી હું મારા પૂર્વજોને શોધવા લાગું છું.
મને એમ
કે
તેમને કદાચ ખબર હશે
અહીંથી બહાર નીકળવાનો માર્ગ.
પણ હું જ્યાં પણ એમને શોધું છું
ત્યાં મને મળું છું.
હું મારો પૂર્વજ
કદાચ.
હું જોઉં છુંઃ
કેટલાક લોકો
શુલકીલ પરના વ્હિટમૅન પુલને,
વિખેરી રહ્યા છે,
હું એમને કહું છુંઃ રહેવા દો આ પુલને.
આ પુલ મને અને મારા ગામને જોડે છે.
જો તમે એને વિખેરી નાકશો
તો રોજ સાંજે હું મારા ગામ કઈ રીતે જઈશ?
તો હું કવિતા કઈ રીતે કરીશ?
તો હું મારાં કક્કો અને બારાખડીને
ઝરૂખડે દીવા કેમ કરીને મૂકીશ?
મારે હજી ઘણું કામ કરવાનું બાકી છે,
હજી તો અક્ષરે અક્ષરે
પાંચ પાંચ નાળિયેરનાં તોરણ
ચડાવવાનાં બાકી છે,
શબ્દે શબ્દે હનુમાનની મળી
ચડાવવાની બાકી છે.
હજી તો હમણાં જ
અનુસ્વારોએ સાફા
પહેરવાના શરૂ કર્યા છે,
હજી તો જાન જોડવાની બાકી છે
ણ અને ળ ની
મારા સિવાય એમનું છે કોણ બીજું આ જગતમાં?
પણ મારું કોઈ સાંભળતું નથી.
બધા પુલ વિખેરવામાં વ્યસ્ત છે.
હું ભોંય પર પડતા
પેલા પક્ષીઓના પડછાયા પર
મારા પગ ન પડે એ રીતે
ચાલવા માંડું છું —
બે ડગલાં
આગળ,
બે ડગલાં
પાછળ.


ઓ મારી ગુજરાતી ભાષા,
હું આપી આપીને તને શું આપી શકું?
લે, આ વિક્રમરાજાની વાર્તા
મારી માએ કહેલી તે
હું તને સાદર ભેટ ધરું છું,
એમાં રાજાનો કુંવર
જે ઘોડા પર બેસીને જાય છે
તે ઘોડા પર બેસીને તું પણ જજે ઉજેણી નગરી.
ઠગજે મને, ઠગજે આખી નગરીને, મળજે વિક્રમરાજાને અને કહેજે કે...
લે, આ ટપ ટપ અવાજ.
મારા નાળિયાંવાળા ઘરમાં ચૂવા પડવા હતા
ત્યારે બાએ મૂકેલા વાસણમાંથી ાવતો હતો એ
તને કામ લાગશે કદાચ
બે શબ્દો વચ્ચેના તૂટતા જતા પ્રાસને સાંધવા,
અને લે, આ મારાબાપાની દાઢીનો સ્પર્શ.
મેં ખાસ સાચવી રાખ્યો છે.
મારા પૂર્વજો જેના પર બેસીને
સ્વર્ગસ્થ થયા છે
એ વાદળો
હજી પણ એમાં તર્યા કરે છે.
અને હા, આ એક લીમડાની સળી
ક્યારેક સ્વરવ્યંજનની વચ્ચે
જગ્યા પડી જાય
અને એમની વચ્ચે કશુંક ભરાઈ જાય
તો તેને દૂર કરવા કામ લાગશે તને.
અને હા, હજી એક વસ્તુ આપવાની રહી ગઈઃ
તારા પૂર્વજોની દૂંટીમાંથી કાઢીને
હરણોની દૂંટીમાં
મૂક્યા પછી વધેલી
આ કસ્તૂરી,
તું પણ મૂકી દેજે એને
તારી દૂંટીમાં.
હું તને બીજું તો શું આપી શકું?
હું પણ તારા જેટલો જ દરિદ્ર છું.
હું પણ તારી જેમ રોજ તારા વેડું છું
અને મારાં કાણાં ખિસ્સાં ભરવાનો
પ્રયાસ કર્યા કરું છું.
લોકો એને કવિતા કહે છે,
હું એને વલોપાત કહું છું.
હજી મારી પાસે એક ચીજ બચી છે
તારા માટે.
તને કદાચ ગમશે.
મારા પુરોગામી સર્જકોની અપૂર્ણ કૃતિઓની હસ્તપ્રતો,
જે દહાડે હું ક લખતાં શીખેલો
તે દહાડો
મારા મેરુદંડના મૂળમાં
ઊગી નીકળેલી એ.
એમાંની એક એક હસ્તપ્રતને પૂરી કરીને
મેં કરી છે કવિતા,
એ હસ્તપ્રતોના દેહ સાથે
મેં કલમ કરી છે મારા જીવની
અને ઉગાડી છે થોડીક કથાઓ.
લે, એમાંની એક હસ્તપ્રત પૂરી કરીને
હું આપું છું તને
આ કવિતા,
મારાં બીજાં બધાં સર્જનોની જેમ
આ પણ તારા જ હસ્તાક્ષરમાં છે.


હમણાં આવશે બધા
હાથ જેવડા છરા લઈને,
હમણાં ચીરશે બધા
બોડીને,
હમણાં એની ખાલ જુદી પાડશે,
હમણાં એના શરીરમાંથી માટી કાઢી
ડોલો ભરશે,
હમણાં તેઓ એનાં આંતરડાંમાં સડી ગયેલા ઘાસમાંથી
કીડા બહાર કાઢી
કક્કાવારી પ્રમાણે ગોઠવશે,
પછી તેઓ એના હાડપિંજરને
ત્યાં ને ત્યાં રહેવા દઈને
ચાલ્યા જશે
છરા અને ચાકુનો ખણખણાટ
ત્યાં ને ત્યાં રહેવા દઈને.
પછી ગીધડાં આવશે
ખજૂરીના કાંટા જેવી ચાંચ સાથે
અને
બોડીના હાડપિંજરના ખૂણેખાંચરે ચોંટી ગયેલા
સમયને
એ અળગો કરશે,
પછી તેઓ ખાશે
એ સમયને
ખજૂરની જેમ,
ખારેકની જેમ,
પછી સીમ
ઝાડ પરથી પાંદડું ખરે
એમ ખરશે
ને
દહાડો આથમે
તે સાથે
એ પણ આથમી જશે.
પછી આખ્ખો દહાડો ઘરના ખૂણામાં,
રૂપલી ડાકણના દાંતમાં,
સાપના દરમાં,
ચકલીના માળામાં
અને
પથરી ખાણમાં
પથ્થરોની નીચે
સંતાઈ રહેલો
અંધકાર બહાર આવશે,
ગામ છેડાની માતાએ
ચડાવેલી સોપારીની
બહાર
અને
અંદર
ગામ આખાના કૂવા
ઘડી વાર ફેરફુદરડી ફરશે
અને પછી
જંપી જશે.
પછી રાત પડશે
સીમમાં શિયાળને માથે
મારા ઘરના આગલા બારણાનો ઉલાળો
વેંતવા મૂળિયાં નાખશે,
ક્યાંક ઘુવડના ગળામાં વચલો મોભ આળોટશે,
પછી બોડીના હાડપિંજર પર તારા ઊગશે,
પછી ઈશ્વર
માનવજાતના આયુષ્યમાં વધારો કરતા
એક જાહેરનામા પર
હસ્તાર કરશે.


તરડાયેલા કાચવાળી બારી પાસે બેઠો બેઠો
જોયા કરું છુંઃ
મારાં લોહીમાંસમાં છે
એવો જ સૂનકાર છે
બહાર પણ.
આકાશમાં એક ચાંદો લટકી રહ્યો છે,
તારા, મૃત ઇયળો જેવા.
એમની મૂછો હલી રહી છે
પવનથી,
દૂધગંગાના દૂધમાં
તરી રહ્યા છે સાત મૃતદેહો
મારા પાછલા સાત ભવના.
મારા કરતાં સવા હાથ મોટો
એ કીડો
મારી દૂંટીમાંથી બહાર
આવવા મથી રહ્યો છે.
હું બેઠો બેઠો
જોયા કરું છું
એક ખેલઃ
મારી અંદર
અને
મારી બહાર
એક ખાબોચિયામાં
એક હાથી બૂડી રહ્યો છે
સૂંઢમાં કમળ સાથે.
ગરુડ
અધ્ધર
પથ્થર
જાણે
ખમ્મ
ખાલી.
એની પીઠ પર બેઠો છે એક ઘા.
સૂનકાર દદડતો
મારામાં
અને
મારી બહાર.

૧૦

અત્યારે તો
રાત હશે ત્યાંઃ
બાપા મગફળીના ખેતરમાં
તાપણીના પાયે
ચાંદો મૂકીને
સૂતા હશે,
ખાટાના વાંઘાનું પાણી
એક લોકકથાથી બીજી લોકકથા ભણી
વહી રહ્યું હશે,
ગોદડીના ડૂચા
અને માનું ડિલ
જોડાક્ષરની જેમ
જોડાઈ ગયાં હશે.
આંબવિયા કૂવામાં
અવગતે ગયેલા જીવ
બહાર આવીને
પોતપોતાના નખ
રંગતા હસે
ગોરમટીથી,
હળ ચાલે એમ
મસાણમાં હોડીઓ
ચાલતી હશે,
રાયણના પડછાયામાં
હંસની જેમ તરતા હશે ઘુવડ,
બેનાળી પર ભરોડી-બારોડાને
આવળનાં ફૂલની જેમ ભેરવીને
ચાલ્યા જતા હશે કાજીદાદા ,
અત્યારે તો રાત હશે ત્યાં,
નહિ તો આ અક્ષર
આટલા શ્યામ ન હોય,
નહિ તો કાગળની આ બાજુ
આટલી બધી ઊજળી ન હોય.
ઘરઝુરાપા ચોઘડિયું હવે પૂરું થયું.
માતાજીનો રથ નીકળે
એમ ગામ નીકળેલું
મારી નાડીઓમાં.
તેને હમણાં જ
વળાવીને
પાછો આવ્યો છું હું
મારી હયાતીના ઝાંપે.
કવિતા લખવાને બહાને
મેં ઘડીભર ઝૂલી લીધું
મારી ઇંદ્રિયોમાં,
કબૂતરના ગળે હાથ નાખી
હું ઊભો ઊભો આંટો મારી આવ્યો
મારા વેચાઈ ગયેલા
પાસાયતામાં અને વાડામાં.
ત્યાં ઊગેલી બાજરીના
એકેએક ડૂંડાના મેં લઈ લીધા હસ્તાક્ષર
મારી જીભ પર.
ગામછેડાની માતાના ખોળામાં માથું મૂકી ઊંઘી લીધું મેં ઘડીભર.
શબ્દોને ગામની વચ્ચે થઈને વહેતી હતી એ નદીના પાણીથી માંજી લીધા બરાબર.
વ્યાકરણને ડોડીનાં પાન ખવડાવ્યાં.
ઘરઝુરાપા ચોઘડિયું હવે પૂરું થયું.
માતાજીનો રથ નીકળે
એમ ગામ નીકળેલું
મારી નાડીઓમાં.
જેને હમણાં જ
વળાવીને
પાછો આવ્યો છું હું
મારી હયાતીના ઝાંપે.
એતદ્, જૂન