અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બારીન મહેતા/હમણાંનું…


હમણાંનું…

બારીન મહેતા

હું પથ્થરને ક્યારનોય તાકી રહ્યો છું
કોઈ કહે છે એ પથ્થર છે
હું માત્ર તાકી રહું છું
કહેતો નથી કે
હું નથી વિચારતો
ને તોય
વિચાર આવે છે કે
આ પથ્થરમાં એકાએક
પ્રાણ ઉદ્ધૃત થાય
ને એ સરકવા લાગે
પછી એને પગ ફૂટે
ને એ ચાલવા લાગે
અથવા પાંખો ફૂટે
ને એ ઊડવા લાગે
મને કંઈ એ છેક જ અશક્ય નથી લાગતું
તમે એને કલ્પનાનું ઉડ્ડયન કહી શકો
કે માંદલી કલ્પના પણ કહી શકો
અથવા તો બાળસહજ કલ્પનાય કહી શકો
પણ હમણાંનું મારું બધું
છેક જ આવું છે

આમ જ ચાલે છે સઘળું
(મને એમાં કશુંય નથી લાગતું અવળું)
હમણાં હમણાંનું
એવું સૂઝી આવે કે
ઝાડ ધીમે ધીમે પર્ણો સંકેલે છે
ડાળો સમેટી લે છે
થડ હળુ હળુ ભોંમાં ગરે છે
મૂળ બધાંય જમીનમાંથી
ખેંચી લે પોતાને
ને ઝાડ પોતે જ બીજ બની જાય છે
આમ તો આ કંઈ કહેવા જેવું નથી
કાર્ય-કારણનો સંબંધ જ ન હોય
એવું ખુલ્લી આંખે ઘટ્યા કરે
એનો અર્થ બીજા કોઈ માટે કશોય નથી
તોય તે
હમણાંનું
એવું દેખાઈ જાય છે કે
પૃથ્વી કંઈક પ્રગટ કરી રહી છે
કંઈક સમેટી રહી છે
અથવા તો
પૃથ્વી કંઈક ઝીલી રહી છે
ને કંઈક એવું ખીલવી રહી છે
જે મને, તમને, સૌને ક્યાંક સુપ્તતામાં અડીને બેઠું છે

ને સડેલું જે છે બધું
એને ધક્કા મારી રહ્યું છે
આ તો આમ મને દેખાય છે
પણ મને દેખાય છે જે
એ બધું જ અહીં શબ્દોમાં વ્યક્ત થાય છે
એવું તો નથી જ નથી
હમણાંનું
આવું પણ થઈ આવે છે મને
મનમાં ઇચ્છું નહીં — વિચારું નહીં
તોય વિચાર આવે છે
સૂઝી આવે છે
કંઈક દેખાય છે
એને વ્યક્ત કરું
તોય લાગે છે કે વ્યક્ત થયું જ નથી
જાણે કે
મને આવતો વિચાર
સૂઝી આવતું કશુંક
કે દેખાઈ જતું કંઈક
વ્યક્ત કરવા —
ભાષા જ નથી મારી કને
અથવા મન જ નથી.

હમણાંનું… …
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૩-૭૫)