અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/માણસની ગઝલ


માણસની ગઝલ

ભગવતીકુમાર શર્મા

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી–નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.
(છંદો છે પાંદડાં જેનાં, ૧૫-૯-૧૯૮૪)