અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ઉંમરની વર્ષા
ઉંમરની વર્ષા
ભગીરથ બ્રહ્મભટ્ટ
ઉંમરનો એક એવો વરસ્યો વરસાદ
એના ફૂટ્યા છે સોળ આખા અંગમાં.
કોણે તે આડઝૂડ વીંઝ્યો વરસાદ એવો વીંઝ્યો વરસાદ
મારો કમખો તૂટ્યો ને ફૂટી છાતી
કે લોહીઝાણ ઉઝરડા આંખે ઊડ્યા એવા આંખે ઊડ્યા
કે આંખમાં આંખ જ નથી સમાતી
મારઝૂડ વાછંટે વીંઝેલી ધાર કંઈ ભીંજેલી નાર
જાણે વરસે ચોધાર વ્હાલ રંગમાં.
રૂમઝૂમતી ધોધમાર વાદળીઓ ફરકી
ને શ્વાસોમાં આંધીઓ વાછૂટી
ભીનીછમ્મ માટી તો પૂર જેમ રેલાણી
રોમ રોમ મંજરીઓ ફૂટી
ધરતીના હોશ દોડ્યો વરસાદ કંઈ છાંટીને યાદ —
પેલી ઊછળતી દેડકી ઉમંગમાં.
(વિચ્છિત, ૧૯૮૫, પૃ. ૨૧)