અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત નાયક/માણસ


માણસ

ભરત નાયક

નથી ગડ બેસતી
કોણ આ માણસઃ
નદીતટે પાંગર્યો એ
ગુફામાં ચકમક ઘસતો એ
અઘોર વનમાં હરણ પૂંઠળ બાણ તાણી હરણફાળ ભરતો એ
ડુંગરામાં મશાલ લઈ મધપૂડા છંછેડતો
મછવામાં વહેતો ઢૂવામાં ઊતરતો કૂબામાં વાળુ કરતો
ગમાણમાં ઘાસ નીરતો ખામણાં વાળતો
કિલ્લા ચણતો મશાલોનાં અજવાળાંનાં ભોંયરાં પાર કરતો
ઘોડાની નાળમાં ખીલા ઠોકતો ઊંચાં ભૂંગળાંની ટોચો ઠેકતો
ગગનગામી પ્રસાદોની છતથી છત ફલાંગતો
ઊડતા વિમાનની પાંખથી છલાંગતો
બરફમાં ઠીંગરાયેલો રેતમાં કોચાયેલો
ખાણમાં ગૂંગળાયેલો પાતાળપેટમાં વલોવાયેલો
ગટરના ગાભા જેવો ફેંદાયેલો એ આ માણસ?
ચાકડે બેડાં ઉગાડે જે પલંગના પાયા ઘડે જે
વેતરાયેલી ગાય કાજે ગોધો આણે જે
ઊંટના ઠેકે આટણ પર દિવેલ મસળે
કરવત પર કાનસ ફેરવે પાવડે પાવડે બરફ ઉશેટે તે
ધાન ઉગાડે ધાન ઢોળે ધાન ફેંદે તે
ડમણી ડચકારે બગીમાં ઝોકાં મારે તે
ટ્રેન-કાર-યાનમાં મ્હાલે એ જ કે માણસ?
ચહેરે-મહોરે બાંધે-વાનેઃ
મુછાળા જટાળા ટકા ટાલિયા સાવ ધોયેલા મૂળા
મલ્લ માંસલ ગોરા નમણા રાતામાતા ગાજર
કૂબડા-દૂબડા શ્યામળા ઘાસના પૂળા
દડબડ દોડતા સાગમટે ધપતા ચીખતા હડિયાપટ્ટીમાં હાંફતા અડબડિયાં ખાતાં
અડધાં ઊબડા ઘડીક ઉભડક ઘડીક ટૂંટિયું વાળતા
કોઈ ખોટકાતા કંઈક કેટલા ખોડંગાતા
બોખું ચાવતા દાંત ભીંસતા દાંત કાઢતા બળેલા છળેલા હરખપદૂડા ભામટા
બથ લેતા બકી કરતા બાથ ભીડતા ઝંડા ખોડતા ઝાડ રોપતા
પલીતો ચાંપતા પગચંપી કરતા ખુરસી ઉછાળતા ચોરટા
અટ્ટહાસે છકેલ મંદસ્મિતે મરમી કીડીકણ અર્થે ધરમી
ગભરામણમાં જંગ વિમાસણમાં તંગ નિરાકરણમાં દંગ કોણ આ બધા માણસ?
ભડ ભાયડા મર્દાના માટીડા ભેગી નાર એય તે ખરી ને માણસઃ
નવલી વેવલી તેજીલી તોરીલી રાંકડી બાપડી રંભા
અજબ લલના ગજબ જોગમાયા મચકાતી કચડાતી કરમાતી રમા
પાપડ વણતી ચૂલો ફૂંકતી બલોયાં ઉતારતી પારણાં હીંચકી ઢીંચતી ધવડાવતી
જોગણ માંગણ મજૂરણ નટી નેતી મહેતી બાયું બાનુ જનાના વીરાંગના વારાંગના
ચૂંચી ચીબી ફાંગી કાણી બાડી કાઠી સુકેશી બોડી બોલકી બોબડી અબલા ચપલા
સઘળાં આ બચ્ચાંકચ્ચાં ધૈડાંવૈડાં નર-નાર જાણવા માણસ
પણ જાણીઓ તો કેમ કરી
બધેબધ સૈકાઓના ગોફણથી છૂટેલા ગોળા જેવાઃ
આ ચાંચિયા લાંચિયા ઠગ લાંટ કાડ શેઠિયા ભાટ ચોવટિયા
વખારમાં પટકાતી ગૂણપાટ જેવાઃ
સાંઈ નઈ કંદોઈ ગાંધી ઘાંચી માછી કાછિયા સરાણિયા
ટપોરી તંબોળી ગારુડી જુગારી શિકારી કલાક દલાલ સટોડિયા
રવડતાં હાડપિંજર જેવાંઃ
કારખાનામાં કબાડખાનાંમાં કતલખાનાં-દવાખાનાં-જેલખાનાં-મુસાફરખાનાંમાં
બત્રીસ કોટિ દેવીદેવલાં માથે ફરતી પંચરંગી ધજા વચ્ચે
ઊભા વડ-થડ ઓથે ખોડાયેલા પાળિયા જેવા
ખેતરો વચ્ચે હાથ ડીંગલા મૂંડી માટલું — અધ્ધર એક ટાંગે જડાયેલા ચાડિયા જેવા
આ માણસ જ ને?
અને આઃ
ફૂટતી સુરંગોથી જેના કાનમાં ધાક બેઠી છે
પિચકારતી રંડીએ જેના મોં પર દારૂ ફેંક્યો છે
ઊંધા કરી ખંખેરતાં જેનાં મોં-ફોયણાંથી ફેફસાંની ઠાંસોઠાંસ સિમેન્ટ ઠલવાય છે
અને આઃ
ઊમટેલા ઉભરાયેલા વેરાયેલા જોડાયેલા ઢળેલા
ટોળાંમાં મેદનીમાં વૃંદ મંડળી સંઘ શ્રેણી સરઘસ કૂચ કવાયત હુલ્લડ વરાવરત
મૈયતમાં
ચકલાચૌટા પોળ ગલી પગદંડી અડ્ડા અખાડા મેદાનમાં કોરટ કચેરી મેળા મોલમાં
મારા માફિયા ડોન ટાઇકૂન પ્યૂન કારકુન ટેંટે કરે ભમરી કરે ચામોદી કરે
ગળચી પકડે મુઠ્ઠી વાળે ભીંસે ઉગામે આંગળી કરે આંગળી ચીંધે ટાચકા ફોડે તાળી પાડે
ધડાકાભડાકા કરે ધૂનન કરે સલામ ઠોકે
ચોરા ઓટલા સલૂન-બલૂનમાં ટાયલું કરે
હોકારો કરે હોબાળો કરે પક પક બક બક બેં બેં પૂંછડાં હલાવે
શિંગડાં ભરાવે ભાંભરે છીંકોટે હણહણે હૂપાહૂપ કરે
જીભડાંથી સાપોલિયાં ફુત્કારે મસ્તકોથી ઝાડ ઉગાડે પાટુ દઈ પથ્થરમાંથી પાણી ફુવારે
વંટોળ જગવે રીંછડા હોય એવાં લટિયાં ઉલાળેઃ
કોઈ ખીજે કોઈ રીઝે કોઈ જતાડે વિતાડે
કોઈ જોડે કોઈ ફોડે કોઈ સાંધે કોઈ રાંધે
કોઈ હાંકે હંકારે
કોઈ સીંચે કે ગૂંથે કોઈ રૂંધે કે ખૂંદે કોઈ માપે ને તોલે
કોઈ વીંખે ભીખે ભોંકે કોઈ કરાંજે કણસે ટટળે
કોઈ આંટી મારે ખૂંટી મારે સોટી કે સિસોટી મારે
પત્તર ઝીંકે પત્તર ફાડે જખ મારે ઝાંવા મારે કોઈ
કોઈ ફાંસે કોઈ ફંફોસાં તપાસે
કોઈ સાધે કોઈ શોધેેઃ બરાબર છે ને જનમારો છીએ તો ખરા ને માણસ
કમાલ છે ને માણસો જ માણસો!
ક્યાં ક્યાં નથીઃ ઇગ્લૂથી અવકાશયાન લગી
ગણ્યા ગણાય નહીં હણ્યા હણાય નહીં
ક્યાં ક્યાંના કેવા પ્રદેશે વેશે ભાષે શું નથી માણસો?
પ્રાણ પોષતા પ્રાણ ફૂંકતા પ્રાણ રેડતા પ્રાણ હરતા
પ્રાણથી અધિક મમતાળી માભોમને પળોટતા
વાડાબંધી ભીતડાબંધી કિલ્લેબંધી નજરબંધી સંચારબંધીમાં રઘવાટતાઃ
પાટા લંબાવી રહ્યા છે
કાંસ ખોદી રહ્યા છે
રેત પીલી રહ્યા છે
અંતરીક્ષ ઉલેચી રહ્યા છે
ઓળખાવો તો ખરા આ માણસઃ
પરથમીનું કરોડો સદી પુરાણું વ્હાણ હંકારી રહ્યા છે ત્યાંનું
ત્યાં ગોળ ગોળ લંગર વિનાનું
વળીઃ ‘ભલેરા વ્હાલા વાશે તટના’ ગાણાં ગાઈ રહ્યા છે...
સાહચર્ય વાર્ષિકી