અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાગ્યેશ જહા/બીક


બીક

ભાગ્યેશ જહા

એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી,
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન આના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.
શબ્દસૃષ્ટિ, સપ્ટે.