અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/મુમૂર્ષા

મુમૂર્ષા

ભાનુપ્રસાદ ત્રિવેદી

(છંદ: અનુષ્ટુપ)


રે જીવ્યા કરવું એથી મોટી મૂર્ખાઈ છે કઈ?
ફસાવું જાળમાં શાને પર-પીડક ઈશ્વરે
રચી જે નિજ લીલાર્થે? ખિલૌનાં માત્ર આપણે?

ઘડવું-ભાંગવું એ છે રુગ્ણ બાલિશ વિકૃતિ,
કરી દો મૅન્ટલે અૅડ્ૅમિટ્ એ સાઇકિક્ ભગવાનને!

અહેતુ સર્જવું એ તો રમત ક્રૂર, હિંસક!

સર્ગ ને લયનાં ચક્ર શા માટે ચાલવાં ઘટે?
ઉત્તર ક્યાંક છે આનો? પોથાં શા કામનાં બધાં?
યુગોથી પ્રશ્ન ‘શું’ કેરા ઉત્તરો શોધતા રહ્યા:
અસંખ્ય સાંપડ્યા; કિન્તુ ‘શા માટે?’નો જવાબ ક્યાં?

બ્રહ્મ સત્યમ્, જગત્ મિથ્યા; બ્રહ્મૈવ નાપરઃ?
અજન્મા-અવિનાશી છે રે આ માયા દુરત્યયા?
પુરુષ માત્ર ચૈતન્ય, અપ્રાકૃત, પરાત્પર?
તો પછી ખેલ આ શાના ભોગ ને અપવર્ગના?

જાણીએ: જન્મવું — વાત આપણા હાથની નથી,
મરવું કિન્તુ તો છે ને આપણા હાથમાં રહ્યું?

કેમ લાવી નથી દેતા અંત આ જીવવા તણો?
એવું છે કોણ? ને શું છે? જેની ખાતર જીવતા?

જાતને કાજ? ભૈ એ યે હતી ક્યાં આપણી કદા?
અભિવ્યક્તિ ‘સ્વ’—ની શોધી રહી છે પરમાં સદા!

પત્નીને કાજ? જે લાંબ્બા કાળથી સાથમાં રહી?
વાતનો ના વિસામો થૈ, સમજી ના શકી કદી,
દમીને સત્યને કક્કો પોતાનો જ ખરો કરે,
ભોળો લાગે ઈયોગોય — ‘વિલની’ એટલી કરે!
ઉપરાળાં લઈ લૈને સંતાનો કથળાવિયાં,
દોષના ટોપલા છેલ્લે ધણીને શિર નાખિયા.

‘પરિવાર’ કહેવો કે દેડકા-પાંચશેરીને?
વિરોધે સત્ય વાતેયે, એમના હિતનીય હો!
સુણે ના, એકઠાં થૈ જૈ ટૌવાડ સૌ કરી મૂકે!
એકલો પાડી દેતાં ર્‌હે ઘરના જ વડીલને;
વાંક હો એટલો એનો — મૂલ્યો જાળવવા મથે!

આપતો ભોગ ર્‌હે સૌના હિત કાજે પળે પળે,
કચરોયે વાળી નાખે ને — વ્હૌરોની લાજ રાખવા!

તાપમાં ચાલતો આવ્યો હોય વેઠ ખભે કરી
પાણી પ્યાલુંય ના પાતી વહુવારુ કદીય! જો—
માગે, ગૌરવ મ્હેમાનો આગળ રાખવા કદી—
ફજેતી કરતી એવી — કલ્પી ના ફાર્સિકો શકે!
સંસ્કારો, શીલ એવાં કે — કોરાતું નિત્ય ભીતર...

સુપાત્રોને કુપાત્રોથી દબાઈ જીવવું પડે
એનાથી છે કયું મોટું દુર્દૈવ મનવન્તરે?
ચાલીનાય વડીલોને પ્રાપ્ય હો માન-આદર
તેટલાં જ અપેક્ષ્યાં-તાં આ કુલીન કુટુંબમાં,
કિન્તુ —
ઑરતા કરવા શા જ્યાં દુષ્પ્રાપ્ય છે સ્વમાન યે!
તૃણ તૃણ કરી માળો રચ્યો’તો જાતને ઘસી
કેટલાં કષ્ટ વેઠ્યાં છે! રહ્યો શો અર્થ એહનો?

તો પછી જીવવું શાને? કાજે શું બંધુવર્ગને?
બંધુઓ તો સદા એવા, કરે અન્યાય બંધુને,
નિત્ય ખોરવાતા રહેતા, ને વાંધા ક્ષુદ્ર પાડતા!
સાંખે ના ચડતી, ખર્ચે સર્વ શક્તિ પછાડવા,
ઉપદ્રવો કરે છાના, નિંદામાં રત ર્‌હે સદા,
પોતાને હાનિ હો તોયે શત્રુઓ સાથ જૈ ભળે!
ખોળવો બંધુ ક્યાં સાચો? મળે કો’ — અર્થ શો સરે?

પોતાનાં જેમને માન્યાં, પરથી વક્ર નીવડ્યાં.

કોની ખાતર? શા માટે? શા કાજે કરવું જીવ્યા
દેશ કાજે? કયો દેશ? કોનો દેશ? શું એ જગા —
માત્ર જ્યાં ભરવા ટૅક્સો જિંદગી ખપતી રહી?

પરાયા થૈ થયા છીએ અમારા દેશમાં અમે.

અરણ્યો, સરિતા, સિંધુ, હિમાદ્રિ ને તપોવનો;
દર્શનો, વેદ, વેદાંગો, પુરાણો, શાસ્ત્ર, ચિંતનો,
આશ્રમો, પુરુષાર્થો ને આચારો ધર્મથી શ્વસ્યા,
હતું સંસ્કારવાનું જ્યાં પ્હેલું કાર્ય મનુષ્યને.

કર્મ, યોગ, અને ભક્તિ, જ્ઞાનનાં એ પ્રવર્તનો,
વિજ્ઞાનો, કલ્પ ને કાવ્યો, નૃત્ય, સંગીત ને કલા —
સમૃદ્ધ સંસ્કૃતિ ઊર્ધ્વ! છલકે રસ-જીવન!
અને ઊગ્યા હતા જ્યાં, ને ચહીએ ફરી જન્મવા
ક્યાં છે એ દેશ?

શોધવા નીકળીએ તો —
ઠોલાતું ગીધડાંઓથી રાષ્ટ્રનું મડદું મળે.

હવે બાકી રહ્યું શું? આ અમૃત શબ્દલોકનું?
એને ક્યાં પામવું? છાપે? ગિમિક્સે? વાદ, લેબલે?
વાડકી-વહેવારોમાં? વાણીના વ્યભિચારમાં?
ચારણી સિદ્ધિઓ-પ્રસ્થાપનો ને પૅંતરા મહીં?

ચિંતાઓ, વ્યસ્તતાઓ ને ઘેરાયેલી તનાવથી
અર્થગ્રસ્ત, ભયત્રસ્ત, વિચારહીન થૈ રહી,
યૌનજ્વર, વિસંવાદ, હિંસા ને વિકૃતિ થકી
દમિતા આ પ્રજા ક્યારે કાવ્યાભિમુખ તો હતી?
શોધ્યા ના જડતા ક્યાંયે સ-રક્ત શબ્દભાવકો!

પીડા સર્જનની કોને માટે? શા કાજ વેઠવી?
પલાયન ‘નિજાનંદે’ કરતા ર્‌હેવું આ-ચિતા?

કેટલા મારતા ફાંફાં ભ્રાન્તિમાં છટકી જવા!

જીવતા રહેવાનું છે છેલ્લું બ્હાનું હતું ગ્રહ્યું —
કવિતા લખવાનુંયે હવે ના હાથમાં રહ્યું...