અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...


અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...

મણિલાલ હ. પટેલ

આવજો... વ્હાલાં!
અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...
તમે ય મને ગમતાં છો — ઓક, મેપલ ને પાઇન!
આમ તમને છોડી જવાનું ગમતું તો નથી,
પણ, ત્યાં મારાં વતનગામમાં, માતાના —
ડુંગર માથે કેસરિયાં કરતો ફાગણિયો
પૂર્વજ કેસૂડો હાક મારે છે. સાંભળો છો તમે?!
આગની આંચ મને બાવરું બાવરું બોલાવે છે
એ શીમળા તો તમે ક્યાંથી જોયા હોય?
ભીંતે કંકુથાપા દેતી કન્યાની હિંગળોક
કંકુ હથેળીઓ જેવાં એનાં ફૂલો હઠીલાં
મને અજંપ કરી મૂકે છે... આટલે દૂર!
ને મુંબઈ ઍરપૉર્ટના રન-વેના છેડા સુધી
મને વળાવવા આવેલા ગુલમોર-ગરમાળાઃ
— અમે એકબીજાને મળીએ ત્યારે જ મ્હોરીએ છીએ...
જાણું છું સુગંધો તમારાથી છેટી રહે છે
અમારા મ્હોરેલા આંબાની છટા અને ઘટા
એની મંજરીની માદક મ્હેક તમે જરાક
સૂંઘો તો તમને માટીમાં મળી જવાનું મન થાય...
થાય કે નિર્ગંધ અવતાર તો ધૂળ છે...!
અમે તો કડવો લીમડો ઘોળનારા ને
ખાટી આમલી ખાનારા ખાનાબદોશ છીએ
રંગો ને ફૂલો તો તમારાં ય સુંદર છે
ચૅરીબ્લોઝમ મને ય આકર્ષે છે પણ
મૂળમાટીએ આપેલી ને રોમેરોમે
દીવા પ્રગટાવતી સુગંધો તો
અમારા કેવડિયા — નાગચંપા — કૈલાસપતિમાં છે
ચૈત્રમાં ખીલેલા આંકલાની આક્રમક ગંધ
ભાલા લઈને રસ્તો રોકે છે
મ્હોરેલી અરણીઓ ચૈત્રી રાત્રિને જ નહિ
કવિની કવિતાને ય મઘમઘતી કરી દે છે
પારિજાત વનોને ય મ્હેકાવે છે — સ્વર્ગમાં!
બ્હેકાવે છે બાવરી નારને મધુકુન્દિકા...!
ને જંગલોને ગાંડા કરો મહુડો અહીં ક્યાં છે?
અમારું કદમ્બ સાદ પાડે છે મને સદીઓથી...
રજા આપો, અમેરિકાનાં વ્હાલાં વૃક્ષો...
અલવિદા! આવજો...
તા. ૦૭.૧૦.૨૦૧૫, U.S.A