અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/કાવ્યપંચમી: સીમમાં (પાંચ)
કાવ્યપંચમી: સીમમાં (પાંચ)
મણિલાલ હ. પટેલ
ઢેફાં ભાંગી ધૂળ કરી ને અંદર ઓર્યાં બીજ,
બે જ દિવસમાં ભરચક ખેતર ઊગી નીકળી ત્રીજ.
અક્ષર જેવા અંકુરો ને છંદોલય શા ચાસ,
ઘઉંની ઊંબી લળી લળી કહે આવ આવ તું પાસ.
કલકલિયાની ઊડાઊડથી હવા રહે રંગાતી,
અમથા ઊડે ચાસ જરા તો સીમ ઘણું વળ ખાતી.
વગડાવાટે સૂનાં પંખી માટીવરણું બોલે,
શીમળે બેસી કાબર કોના શૈશવને કરકોલે?
આઘી ઓરી થયા કરે છે ખેતર વચ્ચે કન્યા,
કુંવારકા ધરતીની એ પણ પાળે છે આમન્યા.
લાંબા લાંબા દિવસો જેવા શેઢા પણ છે લાંબા,
જીવ કુંવારો ગણ્યા કરે છે મ્હોર લચેલા આંબા.
કોક તરુની ડાળે બેસી બોલ્યા કરતો હોલો :
ઘર-ખેતર કે બીજ-તરુના ભેદ કોઈ તો ખોલો.
કોસ ફરે છે રોજ સવારે કાયમ ફરતો ર્હેંટ
તોપણ જળ ને તરસ વચાળે છેટું રહેતું વેંત.
(ડુંગર કોરી ઘર કર્યાં, ૧૯૯૮, પૃ. ૮૪-૮૫)