અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ વાઘેલા/એક મિથિકલ ગઝલ


એક મિથિકલ ગઝલ

મનસુખ વાઘેલા

હજીય ઈવ ને આદમના હોઠ ભૂખ્યા છે,
ને સર્પ વાત કરે છે હજીય ફળ વિશે!

થયા છે ખત્મ હવે નાભિ કેરા કિસ્સાઓ,
બધા જ વાત કરે છે હવે કમળ વિશે!

ચરણમાં તીર લઈ શ્યામ ઘૂમતા આજે,
કદાચ ગોપીઓ કહે આ લીલા-છળ વિશે!

ફરીથી પૃથ્વી આ ફાટે તો જાનકી નીકળે?
છતાં છે રામને ચિંતા હવે અકળ વિશે!

બચાવી શામાંથી લીધી મનુએ હોડી આ?
હલેસાં પૂછતાં થયાં છે હવે જળ વિશે!

હવેથી દંતકથાઓનું નામ ‘મનસુખ’ છે,
હરેક સ્થળ મને ચર્ચે હરેક પળ વિશે!
(નખશિખ, પૃ. ૫૨)