અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/કાગળ ઉપર!
કાગળ ઉપર!
મનહરલાલ ચોકસી
ભીનો ભીનો એને જોવો છે હવે;
સૂર્યને મૂકી દઉં ઝાકળ ઉપર!
હરપળે બદલાય તે શું ચીતરું?
આંખ રોકાતી નથી મૃગજળ ઉપર.
શી ખબર કોને ભીંજવશે ક્યાં જશે?
નામ ક્યારે હોય છે વાદળ ઉપર?
એની સાથે પણ ખુલાસાઓ થશે;
મોતને આવી જવા દો સ્થળ ઉપર.
ગીતથી એકાંત છલકાવી ગઈ;
ચૂપ હતી જે ચાંદની મીંઢળ ઉપર!
કોઈ સરનામું લખ્યું હોતું નથી;
સાવ કોરા પ્રેમના કાગળ ઉપર!
(અક્ષર, પૃ. ૬૬)