અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/બાઈ, કિયાં તે...
બાઈ, કિયાં તે...
મનોહર ત્રિવેદી
બાઈ કિયાં તે કામણ ને કારણે
બારસાખ ઝાલીને ઊભી ’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે
અડાઝૂડ ઝાંખરાની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે
સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ?
લથબથ ભીંજાઈ પ્હેલવેલ્લી : ભીંજાઈ ન્હોતી આવું હું સોળ સોળ શ્રાવણે
ભાઈ, કિયાં તે કામણને કારણે.
(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૪૦)