અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/મુખી સત્તરવાર


મુખી સત્તરવાર

મનોહર ત્રિવેદી

મુખી સત્તરવાર, તે કાળુભારને ઘૂને
ધોમબપોરે જઈને શું ધૂબકા લગાવાય નંઈ?
રાતના ભેરુબંધની હાર્યે હીરપરાની વાડ્યને છાંડે
ગરકી પછી મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચોરાય નંઈ?

ગામને સાડી સાત વખત ખપ હોય તો રાખે,
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા’તા?
ગામઉતારે જઈને ક્યાં સરપંચ, તળાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા’તા?

વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર
ઠામુકાં ગીત—સળુકા કાંઈ રે ગવાય નંઈ?

છોકરા હાર્યે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લોક કે’તું કે જોઈ લ્યો, મુખીસાબ્યની છોકરમત!
મૂંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – એને જીત કહું કે ગત?

ઘોડા મારે શિંગડાં, એવી ભોઈની આ પટલાઈ મળી કે
ડેલીએ ઊભા રહી નિરાંતે રેવડી ખવાય નંઈ!



આસ્વાદ: પદભારની પરેશાની – વિનોદ જોશી

સભ્યતા કે સંસ્કૃતિનો અંચળો ઓઢ્યો ત્યારથી મનુષ્યની સ્વાભાવિકતાઓ નષ્ટ થઈ. ઇચ્છામાં હોય તે જીવન જુદું અને જીવવું પડે તે જીવન જુદું. દરેકને માથે સભ્યતાનો નાનોમોટો બોજ અવશ્ય હોય છે. પણ જ્યારે કોઈ પદ સાંપડે કે કોઈ પદ પર બેસાડી દેવામાં આવે ત્યારે તો પદને અનુરૂપ બન્યા વિના માણસને છૂટકો જ નથી હોતો. એક તરફ સારામાં સારી રીતે દંભ આચરી શકાય તેની તકેદારી અને બીજી તરફ આ વળગણમાંથી છૂટવાનાં હવાતિયાં. બેઉ બાજુની ભીંસનો અનુભવ થતો જ નથી. પણ અહીં આપણે આ મુખપદને પામેલો કાવ્યનાયક મુખીપણાથી અકળાઈ ઊઠ્યો છે. બેધારી જિંદગી એને એવો તો હલબલાવી મૂકે છે કે મુખી જેવું કિંમતી પદ એને ભારેખમ લાગવા માંડે છે અને તાર સ્વરે તે પ્રશ્નો પૂછવા લાગે છે.

મુખી હોવાનો તેને વાંધો છે તેવું નથી. એ તો સત્તરવાર સ્વીકારી લેવાની એની તૈયારી છે પણ મુખી હોવાને કારણે હવે પહેલાની જેમ કાળુભાર નદીના ધૂનામાં ધોમબપોરે ધૂબકા લગાવી શકતા નથી, દિવસે તો ઠીક, રાતના સમયે હીરાપરાની વાડીમાં છાનામાના પેસી ઝીંઝરા ચોરીને ખાવાની મજા પણ ગઈ. મુખીપદને કારણે આવી ગયેલું આ નિયંત્રણ કેટકેટલાં સુખોને નષ્ટ કરનારું છે તેની પ્રતીતિ થતાં જ મુખીમાં રહેલું મુખીપદ વિનાનો મનુષ્ય બોલી ઊઠે છે કે આવા નિયંત્રણોમાં નહીં રહેવાય.

‘ગામને સાડી સાત વખત ખપ હોય તો રાખે, 

આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા'તા?'

એક ગામડિયો, અભણ ભાસતો મુખી ભગવદ્ગીતાનાં સત્યોનું આમ સ્વાભાવિક જ ઉચ્ચારણ કરી પોતાનું કશું નહીં હોવાની પ્રાજ્ઞતા પ્રગટ કરે છે. પંચાયત કચેરીએ જઈને સરપંચ, તલાટીને મળીને કે કોઈ દેવદેવલાંને પટાવીને મુખપદ મેળવ્યું હોય તો બરાબર છે. પણ આ તો એવું કાંઈ નથી છતાં મુખી બનીને બોજ વેંઢારવો એ ક્યાંનો શિરસ્તો? વાડીમાં શેરડીનો વાઢ ફરતો હોય, ગોળ રંધાતો હોય, એવે વખતે પાંચ પંદર માણસો વચ્ચે કેવળ મુખી હોવાને કારણે પોતે ઠાવકા થઈને દૂહા-છંદ લલકારવાની ઇચ્છાને દબાવી દેવી પડે એ વાતે જે વજન લાગ્યા કરે છે તે મુખીને મંજૂર નથી. આવો મોભો કરવા કરતાં મુખીપદ છાંડવું સારું એવું અનુભવતો મુખી હેરાન-પરેશાન છે. મુખી બન્યા પછી પણ નવકૂરીની રમત તો યાદ આવે છે અને રમવી પણ પડે, પણ લોકો એને છોકરમત ગણે એટલે રમી શકાય નહીં. આ ન થઈ શકે તેની અકળામણ તો ખરી જ પણ સામે છેડે જે કરવું પડે તેનો પણ ત્રાસ. ઇચ્છા ન હોય તોપણ કોઈનાં લડાઈ ઝઘડામાં રસ લેવો પડે, ક્યારેક જે બોલવું હોય તે બોલ્યા વિના મૂંગાની માફક બેસી રહેવું પડે આ બધું સહેવું મુખી માટે ભારે તકલીફકારક છે. પોતાને મળેલી આ ભોઈની પટલાઈ અર્થાત્ મુખીપદ એવું છે કે કરવું હોય તે થઈ શકે નહીં છતાં મોભો જાળવવો પડે. ઘોડાને શિંગડાં હોય નહીં તે છતાં શિંગડાં મારવાની ચેષ્ટા કરે તેવું આ મુખીપદનું છે. શિંગડાં હોય તો વાગે ને! આ મુખપદ માત્ર દેખાવનું છે છતાં એને પહેરીને ફરવાનું છે. મુખીને આ સ્થિતિ વેંઢારવી અનુકૂળ આવે તેમ નથી. બીજું તો ઠીક, પણ આ મુખપદને કારણે ડેલીએ ઊભા રહી નિરાંતે રેવડી પણ ખાઈ ન શકાય એ તો કેવી મજબૂરી? મુખીપદ ફગાવી દઈ વળી પાછા હતા તે થઈ જવાના મુખીના ઉધામા કાવ્યની પંક્તિએપંક્તિમાં વ્યક્ત થયા છે. ગ્રામપ્રદેશની આબોહવામાં વિલસતું આ કાવ્ય તળપદ ભાષાના અત્યંત સ્વાભાવિક એવા ઉછાળ દાખવે છે. મુખી જાણે આપણી સન્મુખ હોય અને તેના નિવેદન રૂપે આ કાવ્ય આવતું હોય તેટલી આત્મીયતાથી તેમાંની વાત આપણા સુધી પહોંચે છે. કાવ્યની ભાષાની સહજતા પોતે જ દંભથી મુક્ત એવી અભિવ્યક્તિનું પ્રમાણ પૂરું પાડે છે. પદને છોડવું કે છાંડવું મુશ્કેલ હોય છે. ઘણાંને તો તે સર્વત્ર વળગેલું જ રહે છે. આને કારણે મનુષ્ય કોઈનો સ્વજન બની શકતો નથી. પોતે કોઈક પદે આરૂઢ થયેલો છે તેવી પળેપળની પ્રતીતિ મનુષ્યને તેના સહજ જીવનમાં કેવી નડતરરૂપ થાય છે તેની હળવી રીતે છતાં ગંભીર પ્રતીતિ આ કાવ્ય કરાવી આપે છે.