અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/શાર્દૂલ


શાર્દૂલ

મનોહર ત્રિવેદી

હે ફાલ્ગુની
પુષ્પો ઝરે ડાળખી...
પંખીના લયમાં સવાર તરતી એવી તરે ડાળખી...

કણ્ઠે લૈ ટહુકોઃ ઉઘાડ નભનો ઊડે લઈ પાંખથી
પર્ણોમાં ઊતરી રતાશ કુમળી એ સૂર્યની આંખથી
રંગોની સુરભીસમેત ક્ષણમાં આવી અહીં પાલખી...
પુષ્પો ઝરે ડાળખી...

ઉચ્ચારે જળમંત્ર મૃણ્મય તૃણો, શાખાવતી વલ્લરી
ધીમેથી લળતી (સરોવરતટે કો સદ્યસ્નાતા પરી).
છાયાઓ ઘરની દીવાલ હળવે હાથે રહી આળખી...
પુષ્પો ઝરે ડાળખી...

આ વાતાયનનુંય સ્વાગતસમી મુદ્રામહીં ખૂલવું
(તારાં કર્ણદૂલોનું મર્મરભર્યું લાગે મને ઝૂલવું)
એ રે આંગણમાં પ્રવેશ કર તું હે ફાલ્ગુની, હે સખી...
પુષ્પો ઝરે ડાળખી...