અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ બા. દવે /પછી
પછી
મહેશ બા. દવે
સ્વસ્થ આકાશમાંથી
સરતો નથી અન્ય કોઈ અવાજ,
સાંજ સમયે સરોવરના ચહેરા પર
નથી કોઈ કરચલીઓ,
વૃક્ષમાં લપાઈને
લ્હેરખી લઈ રહી છે નિરાંતનો શ્વાસ
સરોવરના જળમાં પડેલાં વૃક્ષોનાં પ્રતિબિંબો
સ્થિર છે કોઈ પ્રબુદ્ધની જેમ,
અંધકારના ખભા પર હાથ મૂકી
ધીરે ધીરે પૃથ્વીનાં પગથિયાં ઊતરે છે રાત
જાણે તેને કોઈ ઉતાવળ નથી.
હળુ હળુ સરે છે સમય
ને આકાશમાં દેખાય છે
બીજના ચંદ્રની નૌકા.
આવી કોઈ ક્ષણે
મારા હૃદયમાં સ્ફુરી ઊઠે પંખીનો રોમાંચ.
એના ટહુકાના બીજને રોપી દઉં અંધકારમાં.
વૃક્ષને ઊગવું હશે તો ઊગશે
— મને પણ ક્યાં ઉતાવળ છે?
ફેબ્રુઆરી-માર્ચ, કવિતા