અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મકવાણા/સમણાં વીણવા હાલી
સમણાં વીણવા હાલી
મહેશ મકવાણા
રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દઝાડી દીધું.
વહેતી જાઉં હું જ બે-કાંઠે, ગામની નદિયું ખાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
છાબડી મારી છલકે ભેળી
હું ય ઘેલી ઢોળાઉં
માઢ ને મેડી, ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.
પગલે પગલે ઢોળાતી આવી ધૂળમાં જોબન લાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
કુમાર, ડિસેમ્બર