અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/ગોકુળમાં આવો તો —
ગોકુળમાં આવો તો —
માધવ રામાનુજ
ગોકુળમાં કોક વાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો,
ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે,
જમનાને કાંઠે ના આવશો.
તાંદુલની પોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઈ હવે,
વિરહાનાં રાજ નહિ જીતો ગોકુળનાં;
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો!
પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
લખી લખી આંખ હવે ભરીએ;
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયે :
લખિતંગ રાધાના ઝાઝા જુહાર…
શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો!
(તમે, ૧૯૭૨, પૃ. ૧૦)