અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /જેની રુદિયામાં પ્રીત રે
જેની રુદિયામાં પ્રીત રે
મુકુન્દરાય પારાશર્ય
જેની રુદિયામાં પ્રીત રે, એનાં આ ગીત રે!
ગાઉં, ન ગાઉં, શું કરું?
ફૂલ-હૈયાની પ્યાસ રે, એની સુવાસ રે!
ફોરું, ન ફોરું, શું કરું?
મારો ચાતકનો કંઠ,
મેઘ કાને ઉત્કંઠ,
ભર્યાં આષાઢી નીર રે, વરસે અધીર રે!
ઝીલું, ન ઝીલું, શું કરું?
જેની.
મારો પંખીનો માળ,
હરિત તરુવરની ડાળ,
એને ફરતું આકાશ રે, એમાં મુજ વાસ રે!
ઊડું, ન ઊડું, શું કરું?
જેની.
વિરલ સર્જન-ઉછરંગ
સુભગ શમણાંને સંગ,
મારું માનવ જીવંન રે, આશામય મંન રે!
જીવું, ન જીવું, શું કરું?
જેની.