અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/મોતીસરીનું આ વન


મોતીસરીનું આ વન

યજ્ઞેશ દવે

દૂર દૂરથી ઊડેલો ક્લાન્ત પવન
તેનાં પીંછાં પસવારે રાયણના વૃક્ષ પર
ને
તેનાં પીંછાંમાંથી ખરે, હવામાં તરે તરે
તેના ભ્રમણદેશોની ગંધ,

કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય — લાલ
આથમી જાય વનનાં વૃક્ષોમાં.
કલકલિયા ચાષની પાંખોનો રંગ નીલ —
જળનો કે આકાશનો?

ટિટોડી પ્રગલ્ભ ચાલ,
વનમેનાની આંજીમાંજી આંખ,
હુદહુદના માથા પરનો કેસરી તાજ,
બધું જ ઘોળાતું ઘોળાતું ભળી જાય અંધકારમાં.
વૃક્ષો પણ હવે સંકેલી લે છાયાની માયા
ને
ધીમે ધીમે ધૂસર થતું જાય
કબૂતરની લીલી ડોક જેવું ચળકતું
મોતીસરીનું આ વન.
પછી રહે
ધૂસર હવામાં ઝીણી ઝીણી ઘંટડી જેવું
બંધાતું ધુમ્મસ,
દશરથિયા, ચીબરી કે કોઈ રાત્રિપક્ષીનો રઝળતો અવાજ,
વડવાગોળની પાંખોની અસ્પષ્ટ ફડફડાટ,
ને
કંસારીના ઝાંઝરનો રણકતો સૂર.
ગોરડ, બાવળ ને હરમાની વિકળ ગંધ
ઓગળતી ઓગળતી ભળી જાય અંધકારમાં.
તળાવના તરલ અંધકારમાં
ઝબકોળાવા આવે
વનની, જળની રૂપસીઓ,
એકાએક પૂર્વજન્મની કરુણ સ્મૃતિ જેવો
બપૈયાનો આર્જવભર્યો ટહુકો
ઝાંખા ચન્દ્રની જેમ ઊગી શમી જાય અંધકારમાં.
નક્ષત્રોના ઝાંખા ઉજાસમાં
વનના ઉચ્છ્વાસ
ને
પૃથ્વીના આ ઝાંખા અંધકારનાય અંધકારમાં
સાવ ખુલ્લી આંખે
સ્વપ્ન જુએ
આ બે આંખ.


મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનું સરખું અભયારણ્ય છે.

(જળની આંખે, ૧૯૮૫, પૃ. ૧૯-૨૦)