અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ `અનિલ'/થઈ ગયું


થઈ ગયું

રતિલાલ `અનિલ'

અતિશય બધુંયે સહજ થઈ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઈ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઈ મૂગી તરજ થઈ ગયું છે.

હું તડકાના કૅન્વાસે ચીતરું છું કોયલ,
ઘણું કામ એવું, ફરજ થઈ ગયું છે.

છે દેવાના ડુંગર-શાં છોત્તેર વર્ષો,
કે અસ્તિત્વ એવું કરજ થઈ ગયું છે.

`અનિલ', વિસ્તર્યું મૌન તડકા રૂપે આ,
મને પામવાનો જ ગજ થઈ ગયું છે.

(રસ્તો, ૧૯૯૭, પૃ. ૧૨૦)