અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/અણદીઠ પંખી
અણદીઠ પંખી
રમણીક સોમેશ્વર
મારા બધા જ પરિતાપ લઈ ઊભો છું
બારી કને – દિવસ જ્યાં ક્ષિતિજે ઢળે છે.
સંચાર ના પવનનો, કંઈ સ્થિર ઊભાં–
આ લીમડો શિરીષ ને ગુલમોર પાસે
જાણે મઢ્યા છબિ મહીં ન હલે ન ચાલે
ને દૂરની ક્ષિતિજ પે વિખરાયેલાં છે
થોડોક રંગ, લસરે અવ સૂર્ય આઘે
એવી પળો લઈ અમાપ અહીં ઊભો છું.
ઊભો જ છું ગતિવિહીન યુગોથી જાણે
થીજી ગયેલ સ્થળ-કાળ, દિશા બધીયે
ખોડાયેલો અકળ જોઈ રહું દિગંતે
બારી કને, નવ હલું ન ચલું જરાયે.
ત્યાં દૂર કોઈ ટહુક્યું અણદીઠ પંખી
આલાપનો મૃદુ ઉજાસ લઈ ઊભો છું.
કુમાર, ઑક્ટોબર