અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પટેલ ‘ક્ષ’/— તમે છો


— તમે છો

રમેશ પટેલ ‘ક્ષ’

ગગનની મનોહર ઉષામાં તમે છો,
તથા સૂર્ય-અસ્તે-નિશામાં તમે છો!

કહો આ નજરને હવે ક્યાં ઘુમાવું?
ઘૂમે જ્યાં નજર — હર દિશામાં તમે છો!

સતત હાજરી એ રીતે હોય છે કે,
તમે દર્દમાં — ને દવામાં તમે છો!

અમે શ્વાસમાં શૂન્ય શ્વસતા હતા ત્યાં,
ખબરએ પડી કે હવામાં તમે છો!

દુખીના જિગરથી અવિરત નીકળતી,
હૃદય-સ્પર્શતી એ દુઆમાં તમે છો!

હવે બંદગી શું કરીશું કદી પણ?
હવે એમ લાગે ખુદામાં તમે છો!

તમે રાજરાણી — તમે દાસી મીરાં,
અહો શ્યામની હર છટામાં તમે છો!

મળી દાદ શાને ગઝલને અનુપમ?
મળ્યું એ જ કારણ સભામાં તમે છો!
(અંગિત, ૧૯૯૦, પૃ. ૬)