અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/ન થયા


ન થયા

રમેશ પારેખ

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઈ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થાય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.





રમેશ પારેખ • આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ






આસ્વાદ: ઉત્તરની અપેક્ષા વિનાનો પ્રશ્ન — જગદીશ જોષી

આ ગઝલ વાંચતાં જ વેણીભાઈ પુરોહિતનો એક શેર યાદ આવે છે:

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ… બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિન્દગી!

બે બાજુના ‘આમ’માં માણસ ભીંસાય છે, ભૂંસાય છે. ન તો પૂરો પ્રકટ થાય કે ન તો પૂરો અપ્રકટ રહે! હાથ ઝબોળ્યા તો હતા સુંદર ફૂલો જોઈને; પણ એ હાથ સુંવાળા ન થયા તે, દોષ કોનો – હાથનો કે ભાગ્યનો? આ પ્રશ્નો પૂછી શકાય છે – પણ એના કપાળે અનુત્તર જ રહેવાનું ટીલું તણાયું છે. જીવનની કરુણતા જ કદાચ આ ઉત્તરની અપેક્ષા વિનાન પ્રશ્ન-અર્થમાં છે!

સ્વપ્નનો સ્વભાવ જ સરી જવાનો છે: ક્વચિત જ એ સ્વપ્ન આંખમાં માળો બાંધીને રહે – કદાચ, ન પણ રહે. પરંતુ જે સામે ચાલીને ‘ઘરે’ આવેલા એ પ્રસંગો પણ અમારા ન થયા: એ પણ સરકણા સ્વપ્નની જેમ રોળાઈ ગયા. તાગ કાઢવા જાઓ તો દરિયા ખોદાઈ જાય એટલી ગહનતા છે; અને દરિયા ખોદો તોય તાગ ન કાઢી શકાય. પરંતુ આ દરિયા જ એવા છે કે એમાંથી અર્થ કે મોતી શોધવા જાઓ ત્યાં તો અંજલિનું પાણી આંગળાની તિરાડોમાંથી ઝરી જાય એમ અર્થ ક્યાંય સરી જાય: અને પુરુષાર્થની નિશાનીરૂપ ‘અમસ્તા’ ઉઝરડા પણ રહે નહીં.

વરસાદનું એક ટીપું અમે છબીમાં મઢી દીધું! આ વાત કેવી કાવ્યમય છે! કઈ છબીમાં? આયુષ્યની છબીમાં વરસાદનું એક ટીપું મઢાઈ ગયું છે. અને છેક ત્યારથી – ભીના નહીં, પણ ‘ભેજભર્યા’ ઓરડા કદી કોરા રહી શક્યા નથી. સુન્દરમ્ ‘બાનો ફોટોગ્રાફ’માં પૂછે છે: ‘હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું?’ અને પછી બાનું ચિત્ર આપે છે તે યાદ આવે છે:

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જ્યહીં, બોર શું આંસુ એકેક બાને નેત્ર ઠર્યું તહીં.

આ સાથે સાથે પન્ના નાયકની ‘સુખનો સ્નૅપશૉટ’ લઈને મઢાવી રાખવાની વાત પણ તાજી થાય છે.

નસેનસમાં વહેતા લોહીમાં એક જીવનનો, તોફાનનો, તરંગનો સમુદ્ર પૂર્ણપણે ખીલ્યો, ઝૂલ્યો અને ક્રમવશ (કે, કર્મવશ) ખરી ગયો. સમુદ્ર જેવો વિશાળ – અગાધ સમુદ્ર મધદરિયે ખરી જાય અને કિનારાની સુંવાળી રેતી પર એક ભીની રેખા પણ ન રહે, એક છોડ – એક જીવનથી પાંગરતું ને જીવનને પમરાવતું જીવન-મૂળિયામાંથી બળી જાય અને એની જાણ પણ વનરાઈને ન થાય… ધુમાડો થયો હોત તો સૌનું ધ્યાન ખેંચાત; પણ અનિર્ભિન્નો ગભીરત્વાત્.

એવી જીવનની જોતજોતામાં સારીય સ્વપ્ન-રાઈ ઊભી ઊભી બળી જાય તેની વેદનાની જામ તો સમુદ્રનો મૂક ઘુઘવાટ સંઘરતાં લોહીને જ થાય છે. નાનકડી એવી કેટકેટલી આંખોમાં દર્શનના અરીસાને બદલે સ્વપ્નોમાં કબ્રસ્તાનો પથરાયેલાં પડ્યાં હોય છે…

ખાબોચિયું તો ભલે ખાબોચિયું; પણ અંતે ખાબોચિયું તોય તે પાણીનું ને! આટલું અમથુંય પાણી રણમાં જોવા મળે તો એ કેવડા મોટા શુકન ગણાય! પાણીના આભાસના સહારે સહારે હરણિયું આખા રણને છલંગોથી માપી લે છે: તો પછી સાચા પાણીનો સહારો મળે તો આ જીવ આખું રણ તરી જઈ શકે. પરંતુ ‘આજ’ આ જિન્દગી એવી તો ભાંગી ગઈ છે, એવી તો હારણ (હરણ નથી રહી) થઈ ગઈ છે કે તણખલાનો સહારો લઈને પણ ડગ માંડવા જેટલી હામ નથી રહી. પણ ડગુમગુ હોય તો લાકડી કામ લાગે; પણ હાથ જ જ્યાં લકવાગ્રસ્ત થયા ત્યાં લાકડી પકડવી શી રીતે? ‘અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?’ (ઉમાશંકર જોશી)

કહેવા કહેવામાં પણ કેટલો ફેર હોય છે! ક્યારેક કથન પોતે જ નમણાશનો આગવો રંગ ધારણ કરીને આવે છે. ભીંજાઈ શકવાનું સુભાગ્ય આપણને પ્રાપ્ત ન થયું એટલે ‘એમ ના કહેવાય’ કે આજે વરસાદ જ નથી. પછી કવિ ‘હશે’ કહે છે: ‘મનડાં વાળીને’ રહેવાનો કસબ વિધાતાએ મનુષ્યને શીખવ્યો ન હોત તો તેને જિવાડ્યે રાખવાની વિધાતાની આખી બાજી ઊંધી વળી ગઈ હોત! ‘વરસાદ તો હતો પણ આપણે ભીના ન થયા એમ કહીએ’ એમ કહીને આ કવિ વક્ર-વિધિનો બાફ – ઘામ કેવો વધારી મૂકે છે!

રમેશ પારેખને લિરિકલ જીનિયસનું વરદાન પ્રાપ્ત થયું છે. પરંપરા અને પ્રયોગ બન્ને ભૂમિ પર તે સફળતાથી ઊભા રહી શકે છે. લોકબોલીને કલ્પનની તાજગીથી તેઓ એક બળકટ નાજુકાઈ આપી શકે છે; અને છતાં વિપુલ સર્જનનો સ્રોત પણ તેમણે જારી રાખ્યો છે.

(‘એકાંતની સભા'માંથી)