અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/પતંગાયણ


પતંગાયણ

રમેશ પારેખ

એક છોકરો પતંગ લઈ દોડ્યો રે... દોડ્યો રે... દોડ્યો રે...
ઘેર ફીરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછ્યું કે, અલ્યા આમ કેમ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ રહે કેમનો કરીને સંકોડ્યો રે?

છુટ્ટા પતંગે ઉતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે

પતંગની સંતામણે જાણે પૂનમ થઈ
પડછાયા સંકેલતીક ભીંત્યું ઊડી ગઈ

છોકરીની કાંચળીમાં ગલગલિયાં સીંચાણાં, ઊગી ગઈ પાંખોની જોડ્યો રે
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે...
પોતાના ઈંડાને સેવતી ટિટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આય છોકરી ચાલે તો પાડે રંગ

સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ
તેમાં પલળે ગામનાં બે જણની ઉતરાણ

છોકરાએ રૂંવે રૂંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે...
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે...
(છ અક્ષરનું નામ, પૃ. ૪૦૨-૪૦૩)