અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/રંગલીની આપદા


રંગલીની આપદા

રમેશ પારેખ

વેળાવદનો વાણિયો કે મૂવો વાણિયો રે, મને આંખ મારે,
ફલાણા શેઠનો ભાણિયો રે, મૂવો ભાણિયો રે, મને આંખ મારે.

મૂવો વાંકોચૂકો તેકરે લટકો રે કરે લટકો રે, મને આંખ મારે,
ભરે આંતરડાંતોડ એક ચટકો રે ભરે ચટકો રે, મને આંખ મારે.

એક ડગલું ભરું ને ફૂટે ટાચકા રે ફૂટે ટાચકા રે, મને આંખ મારે.
સાવ અમથા અમથા જ પડે ધ્રાસકા રે પડે ધ્રાસકા રે, મને આંખ મારે.

હું તો પાણી ભૂલીને કૂવો સીંચતી રે કૂવો સીંચતી રે, મને આંખ મારે.
જાત પાંપણની જેમ હું તો મીંચતી રે સાવ મીંચતી રે, મને આંખ મારે.

હાથ છેટો હથેળીઓથી જેટલો રે હાથ જેટલો રે, મને આંખ મારે.
પંથ ઘરનો આઘેરો મારો એટલો રે ઠેઠ એટલો રે, મને આંખ મારે.

નથી ખોબો ભર્યો કે ભરી ચપટી રે કે ભરી ચપટી રે, મને આંખ મારે.
તોય લીંબોળી વીણતાં હું લપટી રે હું તો લપટી રે, મને આંખ મારે.

ક્યાંય આવડી તે વાત નથી દીઠ્ઠી રે નથી દીઠ્ઠી રે, મને આંખ મારે.
સાવ કાચી લીંબોળી તોય મીઠ્ઠી રે મૂઈ મીઠ્ઠી રે, મને આંખ મારે.

મને આજે થાતું કેહું તે કેવડી રે, હું તે કેવડી રે, મને આંખ મારે.
એની છાતીએ માંડ પૂંગું તેવડી રે માંડ તેવડી રે, મને આંખ મારે.

મને લીંબોળી વીણવાના કોડ છે રે બળ્યા કોડ છે રે, મને આંખ મારે.
એનો વેળાવદરમાં છોડ છે રે લીલો છોડ છે રે, મને આંખ મારે.
૯-૫-’૭૬/રવિ