અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/હરિને જડી


હરિને જડી

રમેશ પારેખ

જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી!

ચૂમું મારા ભાયગને કે ચૂમું હરિને, સૈ,
ખરી પડેલી ડાળ હું પાછી ઝાઢે વળગી ગૈ.
કેમ કરી ઓળંગું, પરવત, શી અવઢવની ઘડી!

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટ્યાં અમી,
હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી!
મુંને આંબવા મુજબ સોંસરવીહરિ કાઢતા હડી...

(‘છાતીમાં બારસાખ’ પૃ. ૯૨)



આસ્વાદ: શૃંગાર–સૂત્રમાં ભક્તિ–કાવ્યની કડી – રાધેશ્યામ શર્મા

પરથમ નરસિંહને, પાછળથી દયારામને અને ન્હાનાલાલને ગીતો–પદોમાં હરિપ્રિયા, કૃષ્ણસખી ગોપિકા યા રાધિકામાં પરકાયાપ્રવેશ કરવાના રોમાંચક રોમાન્ટિક દોહદ ઊપડેલા છે. આવા સર્વ સર્જકોની ‘કલેક્ટિવ કૉન્શ્યસનેસ’માં એક એવો પ્રેમરોગ સિન્ડ્રોમ પડેલો હોઈ શકે કે શ્રી હરિને પ્રિય થવાની એક જ સ્વસ્વીકૃત શરત સાચી કે એમણે પ્રિયતમાના ભાવાંગિની સ્વરૂપનો અંગીકાર કરવો. પ્રેમી ભક્તનું સજાતીય નહિ જ, એવું વિજાતીય અભિવ્યક્તિ–રૂપ જ પ્રેમી કૃષ્ણને પસંદ આવશે.

આપણા આવા શ્રીકૃષ્ણરાગી કવિઓમાં હરીન્દ્ર દવે–સુરેશ દલાલની જોડી વિખ્યાત મનાય.

પણ રમેશ પારેખની વાત ન્યારી છે. ‘હરિને જડી’ ગીતના સહજ લયવહનમાં, ધ્યાનાર્હ ઉપમાયોજનામાં, એકે અંતરાને વાસી-ઉપવાસી ના રહેવા દેવાની ચિકારીમાં અને પ્રાસલીલામાં તે એક સ્વયં મિસાલ છે. (અહીં જરી આડફંટાઈને જફર ગોરખપુરીનો એક બેમિસાલ શેર રજૂ કરું?)

ये क्या सितम है, उसे बेवफा कहा तुमने कि लोग जिस की वफा की मिसाल देते हैं.

રમેશની શબદવફાઈની મિસાલ પારેખ પોતે જ ગણાય અને ગણાવા ઘટે. એઓ ચર્વિતચર્વણ (cliche) એવું ભાવપ્રતીક પ્રયોજે તોયે સંદર્ભથી, પદબંધથી નાવીન્ય બક્ષી શકે છે.’

કૃતિની પ્રથમ પંક્તિમાં નાયિકાની ત્રિપુટી, તારસ્વરિત રમ્ય આહ્લાદક ઘોષણામાં (જડી, જડી, હું જડી) જાણે હરિ જ પ્રેમિકા ગોતવા રઢિયાળી ‘માઝમરાતે’ નીકળ્યા હોય એવો ઇશારો છે. હરિને તે જડી… પછી? લાગલી જ લીટીમાં અદ્વૈત સમાગમની પ્રસ્તાવના સમી કડી પ્રકટી છે: મંદિર માથે ધજા ચડે એમ હુંયે ઢોલિયે ચડી! હરિએ કશી ચેષ્ટા કર્યાનું અધ્યાહાર રહ્યું ત્યાં વ્યંજના પ્રચ્છન્નવેશે બેઠેલી માનવી. ઢોલિયાને મંદિરની મહત્તા અને શિખર પર ધજાનો ફરકાટ કેટલો સરસ રીતિએ ઝબકી ગયો.

પરંતુ સુજ્ઞ કાવ્યરસિકોને ખ્યાલ હશે કે કવિની–મંદિર–ધજા જેવાં કલ્પન–પ્રતીક પ્રત્યેની સ્મરણીય આસક્તિ સૂચક છે. કવિની વર્ષો જૂની રચના ‘(મારા) ઇડિપસનું ગીત’માં પણ મંદિર જુદા સંદર્ભે ધજા સાથે, લહેરાઈ ચૂક્યું છે! (‘હે મા, તારા સ્તનમંદિરની પ્રથમ ધજા ક્યારે દેખાશે?’) જોકે, મંદિર ધજાનો પુનરુ ઉપયોગ કઠતો નથી એટલો કર્તાનો કસબ સ્પષ્ટ છે.

પ્રથમ અંતરામાં ધન્ય ધન્ય થયેલી પ્રિયા, ગુરુને નમું કે ગોવિંદને? – જેવી અવઢવમાં સંકડાય છે, ચૂમું મારા ભાયગને કે ચૂમું હરિને સૈ,’ (થોભો, ‘સૈ’નો એકાક્ષરી પ્રયોગ અહીં બ્રહ્માસ્ત્ર જેવો પ્રભાવક છે!) અવઢવનો, ઇષત્ ભયસંકોચનો પરિહાર સીધા કાર્ય દ્વારા જ કર્યો: ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ! (સારા કુશલ કવિઓ એક આવશ્યક અવકાશ રાખતા હોય છે – વિવેચકો ઉપર કદાચ દયા ખાઈને. અહીં તત્ત્વબોધન અર્થે પર્યાપ્ત જગા છે. ખરી પડેલી ડાળ જેવો જીવ, પાછો શિવ–ઝાડે વળગી ગયો! તત્ત્વટૂંપણાના ઝાડે ફરવા જવું હોય એ બધા માટે આ અર્થજાળાનો ખૂણો અકબંધ છે.)

ત્રીજો અંતરો અભિનય કહીશું, કેમ કે તે એક જ કમનીય કડીમાં સમાયો છે. અવઢવની ઘડી અહીં પરવતના નક્કર ઉપમામુકુટથી મંડિત છે: કેમ કરી ઓળંગું, પરવત શી અવઢવની ઘડી! ઢોલિયે ચડી, હરિને બાઝી પડી, છતાં સમાગમારમ્ભઘડી અવઢવમઢી નીકળી! મૈં કા કરૂં શ્યામ, મુઝે…’

પછી હેતહીરા શા હરિએ એવી અ–દ્વૈત સ્નેહસમાધિ સર્જી કે ‘ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટ્યાં અમી.’ શૂન્યમાં બ્રહ્મ જ વેધક અમીનું આરોપણ સાધી આપે. શરત એટલી કે વાંસળી જેમ ખાલીખમ હોવા જોઈએ. ‘હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી.’ આવી પંક્તિથી મુંને મૂઈ રમેશકૃતિ ગમી, પરંતુ અંતિમ કડી તો જાણે હીરલે મઢી હરિની વેધક ગતિ જ શબ્દપ્રત્યક્ષ થઈ…

‘મુંને આંબવા મુજબ સોંસરવી હરિ કાઢતા હડી…’

ચડી–ઘડીના પ્રાસનું સન્ધાન ‘હડી’માં સમુચિત પરિણતિને પામ્યું છે. રમેશને આવી કડી સાંપડતી રહો. (રચનાને રસ્તે)