અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રવીન્દ્ર પારેખ/ગોકુળિયું


ગોકુળિયું

રવીન્દ્ર પારેખ

મથુરાની આંખોને લ્હોવા જતાં કદી
મનમાં શું એમ જરા આવ્યું?
કે ગોકુળ મોંફાટ હશે રોયું!
શ્યામ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું —

દોમદોમ સાહ્યબીમાં એવા ગરકાવ
ગયું મોરપિચ્છ પાછું રે મોરમાં,
વાંસળીના સૂ ફરી વાંસે ઠેલાય
તોય ફરતું સુદર્શન કૈં તોરમાં,
ગોકુળ તો રાધાની આંખોનું ફૂલ!
કેમ ખીલતાં પહેલાં જ તમે તોડ્યું?
શ્યામ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું —

પડછાયા સોનાના પડતા જ્યાં હોય
નામ રાધાનું ક્યાંથી ત્યાં હોય?
ગોકુળ તો રાધાની જમુનાભર આંખ
અને વનરાવન ચાંદનીમાં રોય,
ગોકુળનો અર્થ હવે કેવળ વ્યાકુળ
તોય એકાદું આંસુ ના લ્હોયું,
શ્યામ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું —
(ગુજરાતી કવિતાચયનઃ ૧૯૯૧, પૃ. ૬૩)