અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/ઝળહળતો અંધકાર


ઝળહળતો અંધકાર

રાજેન્દ્ર પટેલ

પરસાળમાં વરસ્યા કરે
અંધારામાં એકધારા છાંટા.
જે ખુરશીમાં બાપુજી બેસતા
તેમાં બેઠાં બેઠાં
ઠંડી હવાની માણું છું મજા.
આ ખુરશીમાં
હજુયે લીલપ લચેલી ડાળીઓના
રવ હિલ્લોળે છે.
તેના હાથા લાગે
બાપુજીના હાથ જેવા.
પાસેનો સ્થિર હીંચકો
જોયા કરે ખરતો તારો.
તે લાગે બાપુજીના છેલ્લા શ્વાસ જેવો.
આ બધું જોતાં જોતાં ક્યારેક
ભૂતકાળના ઝબકારે, ઝોકે ચડું.


રાયણની ડાળે ઝૂલતો હોઉં
તે હાંકતા હોય કોસ.
તેના કિચૂડાટનો લય
આજેય શમ્યો નથી.
હજુયે કાન ધરું ને
વિશ્વ આખું લાગે લીલું ખેતર.


હવે આંગણામાં ઊગેલા જાંબુડા પરથી પડેલાં
અજાણ્યાં પક્ષીએ કોચેલાં
જાંબુને ખાવાનો આવ્યો છે વારો.
કૂંડામાં ઊગેલા અજાણ્યા છોડનાં
પાંદડાંને ઉકેલવા મથું.
જેમ બાપુજી મથ્યા હતા,
કશુંક ઉકેલવા જીવનભર.
તેમના અસ્પષ્ટ શબ્દ હજુયે
અજાણ્યા ઘંટારવની જેમ સંભળાય છે.
તે આવર્તનમાં અટવાતો
હું તેમનો પડછાયો લાગું છું.
તેમના બેઉ હાથ
ક્યારેય વળગ્યા ન હતા કોઈને.
તે તો રહ્યા છે છેટા
દૂર અંગુલિનિર્દેશતા.
સાંજના પ્રથમ તારાની જેમ.
દિવસ પૂરો થયે હંમેશાં
હું કશુંક ખોવાયેલું ખોળું છું
અને બેઠાં બેઠાં
અંધારું વાગોળું છું.
જે ખુરશીમાં બેઠો છું
તેના મૂળમાં સીંચ્યું હતું
પૂર્વજોએ અઢળક પાણી.
તેથી અંધકાર, અંધકાર નથી લાગતો
તે ઝળહળે છે
મૃત્યુ પામતા કોઈક માણસના
છેલ્લા સ્મિતની જેમ.